Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુપીમાં સપા - બસપા - કોંગ્રેસ સાથે મળીને લડે તેવી શકયતા

રાજકારણ એટલે સંભાવનાઓનો ખેલઃ રાહુલ ગાંધીએ બાકીના બન્ને પક્ષો માટે કરેલી આદરની વાત સૂચકઃ પ્રિયંકાના પ્રવેશથી સમીકરણો બદલાયાઃ ત્રણેય પક્ષ ભેગા થઈ જાય તો ભાજપ માટે ભારે પડકાર

રાજકોટ, તા. ૧૨ :. ભારતની રાજનીતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે સમજુતી કરી લીધી છે. કોંગ્રેસે એકલા હાથે લડવુ પડે તેવી સ્થિતિ હતી પરંતુ અચાનક રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થતા અને તેમણે યુપીમાં જ ધ્યાન કેન્દ્રીત કરતા સ્થાનિક રાજકીય સમીકરણો બદલાયા છે. હાલની સ્થિતિએ ચાર મુખ્ય રાજકીય પક્ષો પૈકી સપા, બસપા ભેગા છે. બીજી તરફ કોેંગ્રેસ એકલી છે અને સામે ભાજપ છે. આવતા દિવસોમાં સપા, બસપાના જોડાણમાં કોંગ્રેસ પણ જોડાય તેવી શકયતા આકાર લઈ રહ્યાનું રાજકીય સમીક્ષકો માની રહ્યા છે. કોંગ્રેસના આધારભૂત વર્તુળો આવી શકયતાને સમર્થન આપે છે. જો કોંગ્રેસ, અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી તે ત્રણેય સમજુતી કરીને લોકસભાની ચૂંટણી લડે તો સામે ભાજપ માટે એકદમ કપરા ચઢાણ થઈ જાય તેમ છે.

થોડા સમય પહેલા યુપીમાં સપા અને બસપાએ કોંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલી બેઠક છોડી બાકીની બેઠકોની સંખ્યાની સમજુતી કરી લીધેલ. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકો છે. તે પૈકી સપા, બસપા લગભગ અડધી અડધી બેઠકો લડશે તેવુ જાહેર કરાયુ છે. આ સમજુતીની જાહેરાત પછી પ્રિયંકાનો સક્રીય રાજકારણમાં પ્રવેશ થયો છે. તેમણે ગઈકાલે લખનૌમાં જોરદાર રોડ શો કરેલ. કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે. રાજ્યમાં કોંગ્રેસ ચોથા ક્રમેથી આગળ આવવા માટે મક્કમતાથી આગળ વધી રહ્યાનું સ્પષ્ટ થાય છે. ખુદ રાહુલ ગાંધીએ પણ ફ્રન્ટ ફુટ પર ચાલવાની વાત કરી ૨૦૨૨ની ધારાસભાની ચૂંટણીમાં સરકાર બનાવવાની આશા વ્યકત કરેલ. કોંગ્રેસની સ્થિતિમાં સુધારો થતા સપા, બસપા વધુ બેઠકો ફાળવવા તૈયાર થાય તેવી સંભાવના છે. રાહુલ ગાંધીએ બન્ને પક્ષ માટે સન્માન હોેવાની વાત કરી તે સૂચક છે.

હાલની સ્થિતિએ સપા, બસપા ભેગા અને કોેંગ્રેસ-ભાજપ અલગ અલગ છે. અન્ય ત્રણેય પક્ષોનો ઈરાદો કેન્દ્રમાંથી વડાપ્રધાન પદેથી મોદીને હટાવવાનો છે. કેન્દ્રમાં સરકાર રચવામાં યુપી મહત્વનો ભાગ ભજવી શકે છે. ભાજપ તો ન જ જોઈએ તે સમાન ઈરાદા સાથે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને સપા અને બસપા આવકારે તેવી શકયતા નકારાતી નથી. સન્માનજનક બેઠકો મળે તો કોંગ્રેસ પણ સમજુતી કરવા તૈયાર થઈ શકે છે. હાલ બધી જો અને તો આધારીત વાત છે. રાજકારણ એટલે સંભાવનાઓનો ખેલ છે. રાહુલ ગાંધીએ સંભાવનાનો રસ્તો બંધ કર્યો નથી. ધારાસભાની ચૂંટણીમાં કોણ કોની સાથે કે સામે હશે ? તે હાલ કહેવું મુશ્કેલ છે. હાલ દૂર દૂર ડોકાતી શકયતા મુજબ સપા, બસપા અને કોંગ્રેસ સંયુકત સમજુતીથી લડે તો યુપીમાં ભાજપ માટે મોટો પડકાર થઈ શકે તેમ છે.(૨-૧૬)

(1:34 pm IST)