Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

એપ્રિલ સુધીમાં મોદી સમગ્ર ગુજરાત ફરી વળશે

ભાજપ ઈચ્છે છે કે વડાપ્રધાન દરેક બેઠકને આવરી લ્યે એ રીતે ૨૦ જેટલી જાહેર સભાઓ સંબોધેઃ એપ્રિલ સુધીમાં મોદી ડઝનેક વખત ગુજરાત આવશેઃ ૫મી માર્ચે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે ચૂંટણી પહેલા અનેક કાર્યક્રમો-પ્રોજેકટોને ખુલ્લા મુકશે

નવી દિલ્હી, તા. ૧૨ :. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં અનેક સભાઓને સંબોધશે તથા અનેક પ્રોજેકટોનું ઉદઘાટન કરશે. છેલ્લા ૧ મહિનામાં મોદી ત્રણ વખત ગુજરાત આવી ચૂકયા છે અને ૪ દિવસનું રોકાણ પણ કર્યુ છે.

૨૮મીએ ફરી તેઓ ગુજરાત આવી રહ્યા છે અને અનેક પ્રોજેકટો ખુલ્લા મુકશે અને નવી બંધાયેલ સીવીલ હોસ્પીટલ કેમ્પસનું પણ ઉદઘાટન કરશે. તાજેતરમાં વાયબ્રન્ટ ગુજરાત વખતે થયેલા એમઓયુની કેટલીક યોજનાઓનું પણ તેઓ ભૂમિપૂજન કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદી તે પછી ૪ અને ૫ માર્ચે ગુજરાત આવશે. તેઓ અમદાવાદમાં ૧૦૦૦ કરોડના ખર્ચે બંધાનારા ઉમિયાધામ કેમ્પસનું ભૂમિપૂજન કરશે. ૫મીએ તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જેમાં તેઓ લેઉવા પટેલ સમુદાય દ્વારા યોજાનારા એક કાર્યક્રમમાં હાજર રહેશે. એટલું જ નહિ તેઓ રાજકોટના નવા એરપોર્ટ સહિત કેટલાક જાહેર સુવિધાઓનું ભૂમિપૂજન પણ કરશે. તેઓ ૧.૫ લાખ કરોડના ખર્ચે બંધાનારા ઈન્ડસ્ટ્રીયલ અને પબ્લિક વર્ક પ્રોજેકટનું ફાઉન્ડેશન પણ રાખશે.

ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન એપ્રિલ સુધીમાં ડઝનબંધ મુલાકાતો યોજશે.

ભાજપના એક નેતાના જણાવ્યા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી માહોલ ઉભો કરવા અમે તેમને વિનંતી કરી છે કે તેઓ તમામ ૨૬ બેઠકોને આવરી લ્યે એ રીતે ૨૦ જેટલી જાહેરસભાઓ યોજે. આ નેતાના જણાવ્યા પ્રમાણે તેમના ટાઈટ શીડયુલને કારણે વડાપ્રધાન કદાચ બધી બેઠકોને આવરી લ્યે તેવી ૧૦ - ૧૨ કલસ્ટર સભાઓ યોજે. અમે વડાપ્રધાનને એવી પણ વિનંતી કરવાના છીએ કે તેઓ દિલ્હીથી ડિજીટલ અને અન્ય ટેકનોલોજીની મદદથી પણ સભાઓ સંબોધે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ચૂંટણી પહેલા સમગ્ર ગુજરાત ફરી વળશે.(૨-૨)

 

(10:19 am IST)