Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુપીમાં ભાજપનો ધબડકો : ૫૦ બેઠકોનું સંભવિત નુકસાન : આંતરિક સર્વેમાં ધડાકો

ભાજપને માંડ ૨૦ થી ૩૦ બેઠકો મળશે : સર્વે

નવી દિલ્હી તા. ૧૨ : લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન હજુ થયું નથી પરંતુ તમામ પાર્ટીઓમાં ચૂંટણીને લઈને ગરમાવો અત્યારે આવી ગયો છે. દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં મુખ્ય વિપક્ષી પાર્ટીઓ સપા અને બસપાના ગઠબંધન પછી સામે આવેલા સર્વેમાં ભાજપને નુકસાન થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, ભાજપના પોતાના જ સર્વે પ્રમાણે પાર્ટી યુપીમાં ૨૦-૩૦ સીટો પર સીમિત રહે એવી શકયતા છે.

 ૨૦૧૪માં ઉત્ત્।રપ્રદેશની ૮૦માંથી ૭૧ સીટો જીતનારી ભાજપને એસપી-બીએસપીના ગઠબંધનથી હારનો ડર સતાવી રહ્યો છે. ભાજપને ડર છે કે કયાંક પાર્ટી રાજયમાં ૨૦ સીટો પૂરતી જ સીમિત ન રહી જાય. આવી સ્થિતિમાં ભાજપ માટે સત્તામાં પરત આવવું મુશ્કેલ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ભાજપે આ સર્વે પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રી થઈ એ પહેલા કરાવ્યો હતો.

પ્રિયંકાની એન્ટ્રી પછી ભાજપને, સપા-બસપાની વોટબેન્ક તૂટવાની આશા છે. જો કે ભાજપને અન્ય રાજયમાં પ્રિયંકાનો પ્રભાવ પડે તેનો ડર પણ છે.

રિપોર્ટ અનુસાર, ભાજપ યુપીમાં નવા સહયોગીઓની શોધ કરવા લાગી છે. અજીત સિંહની રાષ્ટ્રીય લોકદળે સપા સામે ગઠબંધન માટે ૪ સીટોની માગણી કરી હતી પરંતુ ગઠબંધનના સહયોગી તેમને બે સીટો આપવા તૈયાર છે. એવામાં ભાજપના પ્રયત્ન રાષ્ટ્રીય લોકદળને પોતાની તરફ લાવવાના રહેશે. જો કે જયંત ચૌધરી મમતા બેનરજીના ધરણામાં સામેલ થયા પછી આરએલડી ભાજપની સાથે જાય એવી સંભાવના ઓછી જણાય છે.

પૂર્વ ઉત્ત્।રપ્રદેશમાં ભાજપ પાસે 'અપના દલ' તરીકે એક સહયોગી છે પણ પશ્ચિમ યુપીમાં પાર્ટીને અત્યાર સુધી કોઈ સાથી પક્ષ મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, યુપી ઉપરાંત એવા રાજયોમાં પણ ભાજપની સીટો ઘટી શકે છે, જયાં તેણે ૨૦૧૪માં એકતરફી જીત મેળવી હતી. હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં ભાજપની સીટો ઓછી થઈ શકે છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રને પણ ભાજપ માટે પડકારરૂપ ગણાવાયું છે. સહયોગી શિવસેનાના વલણ અને કોંગ્રેસ-એનસીપી મજબૂત થવાથી ભાજપ માટે અહીં મુશ્કેલી સર્જાઈ શકે છે. જો કે ભાજપને આશા છે કે જો તે ૨૦૦થી વધુ સીટો જીતવામાં સફળ રહે તો તેને સરકાર બનાવવા માટે ટીઆરએસ, વાયએસઆર કોંગ્રેસ અને બીજેડીનું સમર્થન મળી શકે છે.(૨૧.૩)

 

(9:54 am IST)