Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

વિપક્ષ સાથે મોદીનું વર્તન પાક પીએમ જેવું રહ્યું છે

કેજરીવાલના વડાપ્રધાન મોદી પર પ્રહાર

નવીદિલ્હી, તા. ૧૧ : આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ આજે એક દિવસની ભૂખ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. નાયડુને સમર્થન આપવા માટે અનેક વિપક્ષી નેતાઓ પહોંચ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સમર્થન આપવા માટે પહોંચ્યા હતા. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી વિપક્ષી દળોની સાથે ભેદભાવ કરે છે. કેજરીવાલે મોદી ઉપર પાકિસ્તાનના વડાપ્રધાનની જેમ વર્તન કરવાનો આક્ષેપ કર્યો હતો.  તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઇ રાજ્યના મુખ્યમંત્રી બને છે ત્યારે તે માત્ર કોઇ પાર્ટીના મુખ્યમંત્રી હોતા નથી. રાજ્યના મુખ્યમંત્રી તરીકે હોય છે. આવી રીતે જ્યારે કોઇ વડાપ્રધાન બને છે ત્યારે તે કોઇ રાજ્યના વડાપ્રધાન હોતા નથી પરંતુ દેશના વડાપ્રધાન હોય છે. જે રીતે વડાપ્રધાન વિપક્ષી રાજ્યોની સરકાર સાથે વર્તન કરે છે તેઓ ભારતના નહીં બલ્કે પાકિસ્તાનના વડાપ્રધાન લાગે છે. મોદીની સામે આંધ્રપ્રદેશમાં રવિવારના દિવસે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. કેજરીવાલે મંચથી મોદી ઉપર રાજ્યોની સરકાર સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો હતો. ટીએમસી તરફથી ટેકો આપવા માટે પણ સભ્યો પહોંચ્યા હતા. શરદ યાદવ પણ પહોંચ્યા હતા.

(12:00 am IST)