Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

કર્ણાટક : ઓડિયો ક્લિપમાં તપાસ કરવા સીટની રચના

કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રીની જાહેરાત : હાલ રાજકીય ગરમી અને આક્ષેપબાજીનો દોર ચરમસીમા પર પહોંચ્યો : જેડીએસ અને ભાજપના સામ સામે આક્ષેપ

બેંગ્લોર, તા. ૧૧ : કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે સર્વગ્રાહી સીટ તપાસની જાહેરાત કરી હતી. ઓડિયો ક્લિપ મામલામાં વાસ્તવિકતા સપાટી ઉપર લાવવા માટે સીટની રચના કરી દીધી છે. રાજ્ય ભાજપના વડા બીએસ યેદીયુરપ્પા આ ટેપમાં જેડીએસના ધારાસભ્ય સાથે વાતચીત કરતા નજરે પડે છે. અધ્યક્ષ રમેશકુમારે વાસ્તવિકતા સપાટી ઉપર લાવવા ખાસ તપાસ ટીમની રચના કરવાનું સૂચન કર્યા બાદ રાજ્ય વિધાનસભામાં કુમારસ્વામીએ આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં તેમના નામને બિનજરૂરીરીતે ખેંચવામાં આવી રહ્યું છે. વાસ્તવિકતા સપાટી ઉપર લાવવા સીટની રચના કરવામાં આવી છે જે ૧૫ દિવસમાં અહેવાલ આપી શકે છે. નારાજ દેખાતા કુમારસ્વામીએ કહ્યું હતું કે, ઓફિસના ગૌરવ જાળવી રાખવામાં આવે તે ખુબ જરૂરી છે. સીટની રચના કરવાના સ્પીકરના આદેશને તેઓ સ્વીકારવા જઈ રહ્યા છે. સર્વગ્રાહી તપાસ સમગ્ર મામલામાં કરવામાં આવનાર છે. કુમારસ્વામીને સ્પીકરે કેટલીક સૂચના આપી હતી. સીટની રચના વાસ્તવિકતા તરફ દોરી જશે તેવી વાત પણ સ્પીકરે કરી હતી. ભાજપના સભ્યોએ કહ્યું હતું કે, તપાસ સ્પીકર સામે આરોપ સુધી મર્યાદિત રહેવી જોઇએ. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર રચાયા બાદથી જ રાજકીય અંધાધૂંધી રહી છે. હોર્સ ટ્રેડિંગની ગતિવિધિ ચાલતી રહી છે. શુક્રવારના દિવસે કુમારસ્વામીએ એક ઓડિયો ક્લિપ જારી કરી હતી જેમાં યેદીયુરપ્પા ગઠબંધન સરકારને અસ્થિર કરવા માટે જેડીએસના ધારાસભ્યોને લાલચ આપતા દેખાઈ રહ્યા છે. કુમારસ્વામીએ કહ્યું હતું કે, યેદીયુરપ્પાએ ૫૦ કરોડ રૂપિયાની આસપાસની વાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ભાજપની તરફેણમાં સભ્યોને લાવવાની વાત પણ થઇ રહી છે. બીજી બાજુ યેદીયુરપ્પા કહી ચુક્યા છે કે, જો આક્ષેપો સાચા સાબિત થશે તો તેઓ રાજનીતિમાંથી રાજીનામુ આપી દેશે.

(12:00 am IST)