Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જોરદાર ઠંડી બાદ આ વર્ષે ઉનાળો પણ આકરો રહેશે

૨૦૧૪ થી ૨૦૨૩નો દાયકો ૧૫૦ વર્ષમાં સૌથી ગરમ : આગાહી : આગામી પાંચ વર્ષમાં તાપમાનમાં એક ડિગ્રી વધી શકે છે : લોકોને આકરી ગરમીનો અનુભવ કરવો પડશે

લંડન તા. ૧૧ : વર્ષ ૨૦૧૪-૨૦૨૩ સુધીનો દાયકો ૧૫૦ વર્ષોમાં સૌથી ગરમ હશે. આગામી પાંચ વર્ષમાં તાપમાન પૂર્વ ઔદ્યોગિક સ્તરોમાંથી ૧ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધુ રહેવાની ભવિષ્યવાણી કરાઇ છે. આગામી પાંચ વર્ષ માટેના બ્રિટનના હવામાન વિભાગના અંદાજમાં જણાવાયું છે કે આગામી વર્ષોમાં હજુ વધુ આકરી ગરમીનો સામનો કરવો પડશે. આમ સમગ્ર વિશ્વને ફરી એકવખત આ મામલે ચિંતનની જરૂર પડી છે.

હવામાન વિભાગે કહ્યું હતું કે ૨૦૧૫માં સપાટીનું વૈશ્વિક વાર્ષિક સરેરાશ તાપમાન પ્રથમવાર પૂર્વ ઔદ્યોગિક સ્તરેથી ૧ ડિગ્રીથી ઉપર પહોંચ્યું છે. ત્યારથી, વૈશ્વિક સરેરાશ તાપમાન હંમેશા ૧ ડિગ્રી સેલ્સિયસના નિશાનની નજીક કે તેનાથી વધુ રહ્યું છે.

આગામી પાંચ વર્ષમાં વધતા તાપમાનની પ્રવૃતિ જારી રહેવા કે વધે એવી શકયતા છે. એ વાતની પણ સંભાવના છે કે સરેરાશ વૈશ્વિક તાપમાન વૃદ્ઘિ ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ હોઇ શકે છે.

હવામાન વિભાગના પ્રમુખ એડમ સ્કેફે કહ્યું હતું કે આ વર્ષના પુર્વાનુમાનમાં વિશ્વસ્તરની વાત કરીએ તો તેમાં ઝડપથી વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષની અંદર તાપમાનમાં ૧૦ ટકાની વૃદ્ઘિની સંભાવના છે. સ્કેફે કહ્યું હતું કે પૂર્વાનુમાનોમાં પેરિસ જળવાયુ કરારમાં નિર્ધારિત મર્યાદા સ્તરથી ૧.૫ ડિગ્રી સે. વધુ રહેવાનું જોખમ દર્શાવાયું છે. જો કે આ જોખમ અસ્થાયી હોવાનું તેમણે જણાવ્યું હતું.

યુકે મેટ ઓફિસના વિજ્ઞાનીઓની સંશોધન ટીમ આ મામલે કાર્યરત છે. તે ગત અનુભવના આધારે પુર્વાનુમાનોની ભવિષ્યવાણીને લઈને ૯૦ ટકા આશ્વસ્ત છે. ૨૦૧૩માં વોર્મિંગના તીવ્ર દરની તેની ભવિષ્યવાણી ગત પાંચ વર્ષોમાં જોવા મળી છે. એજન્સીઓના નિષ્કર્ષ પ્રમાણે, ૧૮૫૦માં રેકોર્ડ શરૂ થયા પછી ૨૦૧૮ ચોથું ગરમ વર્ષ રહ્યું હતું.

સંશોધનો અનુસાર સરફેસ ટેમ્પરેચર પુરતી જ કલાઈમેટ ચેન્જની અસરો મર્યાદિત હોતી નથી. વાસ્તવમાં, કલાઈમેટ સિસ્ટમમાં ગરમીનું પ્રમાણ સમગ્ર કલાઈમેટ ઈન્ડિકેટર્સમાં જોવા મળે છે. અગાઉ ૨૦૧૮નું વર્ષ વિશ્વભરમાં ચોથું સૌથી ગરમ વર્ષ બની રહ્યું હતું. એ અગાઉ વર્ષ ૨૦૧૫, ૨૦૧૮ અને ૨૦૧૭ પણ ત્રણ સૌથી વધુ ગરમ વર્ષો તરીકે નોંધાયા હતા. વિજ્ઞાનીઓ કહે છે કે ગ્લોબલ વોર્મિંગની અસરોના લીધે વધતા તાપમાનથી ભૂમિ, વાતાવરણ, મહાસાગરો અને બરફ એમ સમગ્ર સ્થળે તેની અસરો થતી રહે છે.

આ મુજબ, કલાઈમેટ ચેન્જની જે અસરો છે તેના કારણે આગામી પાંચ વર્ષોમાં શકય છે કે ગરમીનો અનુભવ સમગ્ર વિશ્વને કરવો પડી શકે છે એમ મેટ ઓફિસના રિસર્ચ ફેલો ડગ સ્મિથે જણાવ્યું હતું.(૨૧.૧૧)

 

 

(11:31 am IST)