Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ચિદમ્બરમ પોતાને વિશ્વના સૌથી જ્ઞાની વ્યક્તિ માને છે

ચિદમ્બરમ રીકાઉન્ટીંગ મિનિસ્ટર છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : મહામિલાવટ કરનારને ફાયદો નહીં થાય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો

તીરુપુર, તા. ૧૦ : તમિલનાડુના તીરુપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમને રીકાઉન્ટીંગ મિનિસ્ટર તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમિલનાડુના સૌથી બુદ્ધિશાળી રીકાઉન્ટરીંગ મિનિસ્ટરના સંબંધમાં આજે વાત કરવાનો સમય છે. તેઓ દુનિયાના સૌથી જ્ઞાની વ્યક્તિ તરીકે પોતાને ગણે છે. ૨૦૦૯ની સામાન્ય ચુંટણીમાં શીવગંગા લોકસભા ક્ષેત્રથી ચિદમ્બરમ ચુંટણીના કારણે વિવાદોમાં રહ્યા હતા. ૧૬મી મે ૨૦૦૯ના દિવસે મોડી રાત્રે ચિદમ્બરમને ૨૧ રાઉન્ડની ગણતરી બાદ ૩૩૫૪ વોટથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ શીવગંગાના મતદાન કેન્દ્રમાં ત્યારબાદ હોબાળો થયો હતો. કારણ કે સત્તાવાર જાહેરાત પહેલા જ ટીવી ચેનલ અને સમાચાર સંસ્થાઓએ કહી દીધું હતું કે ચિદમ્બરમને હારનો સામનો કરવો પડ્યો છે. અન્નાદ્રમુકના ઉમેદવાર રાજાના સમર્થકોએ ઉજવણી પણ કરી હતી પરંતુ રાજા રીટર્નિંગ ઓફિસર પાસે પ્રમાણપત્ર લેવા પહોંચ્યા ત્યારે કહેવાયું હતું કે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. તે વખતે ભ્રમની સ્થિતિ થઈ ગઈ હતી જ્યારે અલગ અલગ ટેબલ પર મતગણતરી ચાલી રહી હતી. કેટલાક ટેબલ પર એક બે રાઉન્ડથી બીજાથી આગળ હતા. મોદીએ કહ્યું હતું કે રીકાઉન્ટીંગ મિનિસ્ટર તરીકે ચિદમ્બરમ છાપ ધરાવે છે. એનડીએ સરકારના સારા કામથી પણ મહાગઠબંધન અને મહામિલાવટના લોકો પરેશાન થયેલા છે. મોદી માટે તેમની નારાજગી ખરાબ વર્તનમાં ફેરવાઈ ગઈ છે. જનસભામાં કહ્યું હતું કે મોદીને ગાળો આપવાની વિપક્ષની રાજનીતિ તેમને ટેલિવિઝનમાં જગ્યા અપાવી શકે છે પરંતુ ચુંટણી દેશ માટે એક દ્રષ્ટીકોણ સાથે લડવામાં આવે છે. મોદીએ ફરી એકવાર મહાગઠબંધનને હાથમાં લઈને મહામિલાવટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મોદીએ ડીએમકે અને કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યં હતું કે ભાજપે દેશની સામાજિક ન્યાય વ્યવસ્થાને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી. બીજા અને ત્રીજા મોરચાની સરકાર હતી ત્યારે ડીએમકે અને કોંગ્રેસે એસસી અને એસટીને મળનાર પ્રગતિ પર અનામતને દુર કરવાનો નિર્ણય કર્યો હતો. સામાન્ય વર્ગને ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કરાયો ત્યારે કોંગ્રેસે આને લઈને પણ દહેશત ફેલાવવાનું કામ કર્યું હતું. ડિફેન્સ સેકટરમાં પહેલા પોતાના સાથીઓને મદદ કરવાનું કામ થતું હતું.

 

 

(12:00 am IST)