Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાજીવ કુમારની સતત બીજા દિવસે આકરી પૂછપરછ થઈ

રાજીવની સાથે સાંસદ કૃણાલ ઘોષની પૂછપરછ : તૃણમૂલના પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ સવારે ૧૦ વાગે અને કુમાર ૧૦.૩૦ વાગે સીબીઆઈ ઓફિસમાં હાજર થયા

શિલોંગ,તા. ૧૦ : કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની શારદા ચીટ ફંડ કૌભાંડના મામલામાં આજે સતત બીજા દિવસે સીબીઆઈ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ કૃણાલ ઘોષને પણ સામ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગતો ખુલવાની શક્યતા દેખાઈ રહી છે. કૃણાલ ઘોષની ધરપકડ અગાઉ રાજીવકુમારની ટીમ દ્વારા જ કરવામાં આવી હતી. રાજીવ કુમારે ફરી એકવાર સીબીઆઈ સમક્ષ વધારે સમય સુધી રોકાવવાનો સમય નહીં હોવાની દલીલ કરીને ચર્ચા છેડી દીધી હતી. જોકે સીબીઆઈએ આનો જવાબ હજુ સુધી આપ્યો નથી. રાજીવ કુમારે આના માટે કારણ આપતા કહ્યું છે કે પરીક્ષાઓ અને અન્ય કેટલાક આયોજનો બંગાળમાં થઈ રહ્યા છે જેના માટે તેમની હાજરી ત્યાં જરૂરી બની છે. વારંવારના સમન્સ છતાં રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ શારદા ચીટ ફંડના મામલામાં પૂછપરછ માટે ઉપસ્થિત ન થતા આખરે સીબીઆઈની ટીમ કોલકત્તા પહોંચ્યા બાદ સીબીઆઈ ટીમના ઘણા અધિકારીઓને પોલીસે બળજબરીપૂર્વ કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારબાદથી સીબીઆઈ અને બંગાળ સરકાર આમને સામને આવી હતી. સીબીઆઈના વર્તન સામે મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજીવ કુમારની તરફેણમાં ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા. જોરદાર રાજકીય ઘમસાણની સ્થિતિ વચ્ચે સીબીઆઈની ટીમ આખરે સુપ્રિમ કોર્ટમાં ગઈ હતી. જ્યાં મમતાને ફટકો પડતા સુપ્રિમે રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો. આના ભાગરૂપે રાજીવ કુમાર હાલ શિલોંગ પહોંચ્યા છે અને ગઈકાલે લાંબી પૂછપરછ થયા બાદ આજે પણ તેમની આકરી પૂછપરછનો સીલસીલો જારી રહ્યો હતો. અધિકારીઓએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે રોઝવેલી અને શારદા ચીટ ફંડ કૌભાંડના સંદર્ભમાં ઓકલેન્ડમાં અહીંની સીબીઆઈ ઓફિસમાં સમન્સ જારી કરાયા બાદ કુમારની સાથે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કૃણાલ ઘોષ પહોંચ્યા હતા. નવેમ્બર ૨૦૧૩માં ઘોષની ધરપકડ કરવામાં આવી હતી. જોકે કોલકાતા હાઈકોર્ટે ૨૦૧૬માં તેમને વચગાળાના જામીન આપ્યા હતા. ઘોષ પણ આજે સવારે ૧૦ વાગે સીબીઆઈ ઓફિસમાં પહોંચ્યા હતા. અડધા કલાક બાદ રાજીવ કુમાર પૂછપરછના હેતુસર સીબીઆઈ ઓફિસમાં પહોંચ્યા હતા. બંનેની સામે સામે બેસાડીને આકરી પૂછપરછનો સીલસીલો હાથ ધરાયો હતો. શનિવારના દિવસે સીબીઆઈએ આઠ કલાક સુધી રાજીવ કુમારની પૂછપરછ કરી હતી. શારદા કૌભાંડમાં દસ્તાવેજો સાથે ચેડાં કરવા અને પુરાવાને નષ્ટ કરવાનો રાજીવ કુમાર પર આક્ષેપ થયેલો છે. સુપ્રીમના આદેશ બાદ વાયા ગુવાહાટી કોલકાતાથી કુમાર શિલોંગ પહોંચ્યા હતા. પાંચમી ફેેબ્રુઆરીના દિવસે સુનાવણી કરતી વેળા સુપ્રિમ કોર્ટે રાજીવ કુમારને તટસ્થ સ્થળ એટલે કે શિલોંગમાં ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો. રાજીવ કુમારની સાથે કોલકાતા પોલીસના અધિકારીઓ એડિશનલ પોલીસ કમિશનલ જાવેદ સમીમ, એસટીએફના વડા મુરલીધર શર્મા અને સીઆઈડી વડા પ્રવિણકુમાર પણ પહોંચ્યા છે. રાજીવની માંગ બાદ પૂછપરછની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. કુમારના કાયદાકીય વકીલ વશ્વજીત દેવે કહ્યું છે કે સહકાર ન કરવાનો કોઈ પ્રશ્ન નથી. અમે પહેલા પણ સહકાર કરી રહ્યા હતા, હવે પણ કરી રહ્યા છીએ. મેઘાલય પોલીસ દ્વારા કુમારને વધારાની સુરક્ષા આપવામાં આવી રહી છે પરંતુ સીબીઆઈ ઓફિસની આસપાસ સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે.

 

 

(12:00 am IST)