Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

શું બેંકોના અબજો રૂપિયા રિકવર થશે? NPA અર્થતંત્ર માટે ખતરા સમાન

મોદી ધારે છે તેના કરતા બેડ લોનની સમસ્યા દેશ માટે ઘણી ગંભીર છે : બેડ લોન્સ બાબતે એસબીઆઇ આખી દુનિયામાં નં. ૧, મોદી પહેલાની સરકારોને દોષિત માને છેઃ બેન્ડ લોન્સથી ઉભરવા ખૂબ પ્રયાસ કરવા પડશે

નવી દિલ્હી તા. ૧૨ : આર્થિક વિકાસ મામલે સરકાર જે દાવા કરે છે તેના પર વિપક્ષો જ નહીં, કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સવાલ ઉઠાવી રહી છે. તેવામાં સરકારી અને ખાનગી બેંકોની ભરપાઈ ન થયેલી અબજો રૂપિયાની લોન્સ પણ ભારતીય અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી વગાડી રહી છે. મોદી સરકાર તેના માટે અગાઉની સરકારોને દોષ આપી રહી છે, પણ હકીકત એ છે કે તે પોતે પણ બેડ લોન્સની રિકરવી માટે કોઈ નક્કર કામગીરી કરી શકી નથી.

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચોપડે ૩.૬ બિલિયન ડોલરની બેડ લોન નોંધાયેલી છે. સેન્ટ્રલ બેન્કે કરેલા ઓડિટ મુજબ ૨૩૨ બિલિયન રૂપિયાનો કરજો હતો જે માર્ચ ૨૦૧૭ના અંતમાં બેન્કે નોંધાવેલા આંકડાથી પણ વધુ છે. સૌથી મોટા પ્રાઇવેટ લેન્ડર એચડીએફસી બેન્કની બેડ લોનમાં ૨૦.૫ બિલિયન રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે. ICICIએ કહ્યું કે વિસ્તૃતિકરણ સિવાય ખુલાસો કરવો જરૂરી નથી. ગત વર્ષે પણ બેડ લોનના આંકડામાં તફાવત જોવા મળ્યો હતો.

ભારતીય બેંકોએ જાહેર કરેલા ડૂબી ગયેલી લોન્સના આંકડાં અને RBIએ ઓડિટ કરીને મેળવેલા આંકડા વચ્ચે જો ૧૫ ટકાથી પણ વધુનો તફાવત હો તો તે બાબતે બેંકોએ ખુલાસો કરવો જ રહ્યો. તેમાં પણ સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈને ભારતીય અર્થતંત્રની ચાવીરૂપ બેંક ગણવામાં આવે છે, ત્યારે તેની બેડલોનના આંકડા ખરેખર ચોંકાવનારા છે. દુનિયાની એકેય બેંક એવી નથી કે જેના આટલા મોટા પ્રમાણમાં નાણાં ડૂબ્યા હોય.

આ સમસ્યા અંગે પીએમ મોદીએ ગત સપ્તાહે સંસદમાં પણ અગાઉની સરકારો પર પ્રહારો કર્યા હતા, અને બેંકોના ડૂબી ગયેલા રૂપિયા માટે પૂર્વ સરકારોએ બનાવેલી નીતિઓને જવાબદાર ગણાવી હતી. આ મામલે મોદીએ કરેલા નિવેદનોની મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા થઈ હતી.

મુંબઈના એક સ્વતંત્ર બેન્કિંગ એનાલિસ્ટ હેમિનદ્ર હઝારીનું કહેવું છે કે, જો દેશની ટોચની સરકારી બેંકના આંકડાં જ આવા હોય તો આખા દેશની બેન્કિંગ સિસ્ટમ કેટલી વ્યાપક બેડ લોન્સ ધરાવતી હશે? આ બેડ લોન્સના આંચકામાંથી ઉભરવા માટે લોકો ધારે છે તેના કરતા ખૂબ જ વધારે પ્રયાસો કરવા પડશે, અને તેના માટે સમય પણ વધારે લાગશે.

બેડ લોન્સના મારની અસર એસબીઆઈના શેર્સ પર પણ જોવા મળી છે. શુક્રવારે બેંકનો શેર ૧.૭ ટકાના ઘટાડા સથે ૨૯૬.૪ રૂપિયાના સ્તરે આવી ગયો હતો. એક જ વર્ષમાં બેંકનો શેર ૪.૪ ટકા તૂટ્યો છે. સ્ટેટ બેંકના ચેરમેનનું કહેવું છે કે, બેંકના ૧૦૦ અબજ રૂપિયા પાવર સેકટરમાં જ ફસાયેલા છે.

૨૦૧૬થી આરબીઆઈએ પણ બેંકો પર લગામ કસી છે. બેંકો દ્વારા અપાયેલી લોન્સને રિકલાસિફાઈ કરાઈ રહી છે. વિવિધ બેંકો દ્વારા જે-તે વ્યકિત કે ફર્મને અપાયેલી લોનને જો નોન-પર્ફોમિંગ કેટેગરીમાં મૂકાઈ હોય તો તે વ્યકિત કે ફર્મને જે પણ બેંકે લોન આપી હોય તે તમામ લોન આ જ કેટેગરીમાં મૂકી દેવા માટે આરબીઆઈએ આદેશ કર્યો છે.

સ્ટેટ બેંકે ગત શુક્રવારે ૨૪.૨ અબજ રૂપિયાની જંગી ત્રિમાસિક ખોટ નોંધાવી હતી. બ્લૂમબર્ગે બેંક ૨૦.૬ અબજનો નફો કરશે તેવું અનુમાન વ્યકત કર્યું હતું, પરંતુ તેની વિરૂદ્ઘ બેંકે તેનાથી પણ વધુ ખોટ નોંધાવી છે, જેનું સૌથી મોટું કારણ બેડ લોન્સ પણ છે.

સ્ટેટ બેંકના ચેરમેનનું કહેવું છે કે તેઓ માર્ચમાં પૂરા થતાં છેલ્લા કવાટરને લઈને પણ ખાસ આશાવાદી નથી. જોકે, ૧ એપ્રિલથી શરૂ થતાં નવા આર્થિક વર્ષમાં બેંક પર્ફોમન્સના ધારાધોરણો અનુસાર સારૃં પ્રદર્શન કરશે તેવું તેમનું ચોક્કસ માનવું છે.

(4:06 pm IST)