Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ગંભીર ગુનાના આરોપી નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવોઃ ચૂંટણીપંચ

ચૂંટણી પંચની સુપ્રિમ કોર્ટમાં રજૂઆતઃ કાનૂનમાં સુધારો કરવા માંગ

નવી દિલ્હી તા. ૧૨ : રાજકારણને ગુનાઇત લોકોથી મુકત કરવાની કવાયત અંતર્ગત ચૂંટણી પંચે ગંભીર ગુનાના આરોપી નેતાઓના ચૂંટણી લડવા પર રોક લગાવવાનું સમર્થન કર્યું છે. ચૂંટણી પંચ ઇચ્છે છે કે, જો કોઈ નેતા પર કોઈ એવા ગુનાનો આરોપ હોય, જેમાં પાંચ વર્ષની સજાની જોગવાઈ હોય, તો તે નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. શરત એટલી કે ચૂંટણીના ઓછામાં ઓછા છ મહિના પહેલાં કેસ નોંધાયેલા છે.

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ માગ કરી છે કે, તે કેન્દ્ર સરકારને કાનૂનમાં સુધારો કરવાનો નિર્દેશ કરે. પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની એફિડેવિટમાં કહ્યું છે કે, રેપ્રિજેન્ટેશન ઓફ ધ પીપલ એકટમાં સુધારો થવો જોઈએ, જેથી ગંભીર અપરાધોના મામલે કેસનો સામનો કરી રહેલા નેતાઓના ચૂંટણી લડવા પર રોક લાગી શકે.

રાજકીય વિરોધીઓ દ્વારા દ્વેષપૂર્ણ કાર્યવાહીને રોકવાના મકસદથી છ મહિનાવાળી શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે સુપ્રીમ કોર્ટ માટે સંસદને કાયદો બનાવવાનો નિર્દેશ આપવો સરળ હોતું નથી, કારણ કે વ્યવસ્થાપિકાનાં કામોમાં ન્યાયતંત્રની દખલ સમાન કહેવાશે.

સરકાર પર ચૂંટણી પંચનું વલણ સકારાત્મક પ્રતિક્રિયાનું દબાણ હશે. પક્ષોમાં આંતરિક લોકતંત્રની ઉણપથી ચિંતિત પંચે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, સંસદે કાયદામાં સુધારો કરવો જોઈએ અને પાર્ટીઓની અંદર પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે દિશાનિર્દેશ બનાવવા જોઈએ. એડવોકેટ અમિત શર્મા તરફથી ફાઇલ કરવામાં આવેલી એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, 'પંચે કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂકયો છે, જેથી કોઈ પણ વ્યકિત જે પાંચ વર્ષ કે તેનાથી વધુ સજાની જોગવાઈ ધરાવતા ગુનાની આરોપી હોય તો તેને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે, ભલે તે કેસ પેન્ડિંગ હોય.'

એફિડેવિટમાં જણાવાયું છે કે, આવાં પગલાંથી રાજકારણને સાફસૂથરું કરવા અને ગુનાઇત તત્ત્વોની હાઉથી મુકત કરવામાં મદદ મળશે.(૨૧.૬)

(9:37 am IST)