Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

રસીકરણ માટે ૨૧થી ૨૭ હજાર કરોડનો ખર્ચ થશે : SBI રિસર્ચ

આ રકમ જીડીપીના ૦.૩થી ૦.૪ ટકા જેટલી છે : પ્રથમ ચરણમાં સરકાર દેશમાં ૩૦ કરોડ લોકોનું રસીકરણ કરશે, બીજો તબક્કો જેમાં વધુ ૫૦ કરોડને આવરી લેવાશે

નવી દિલ્હી, તા. ૧૨ : સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા રિસર્ચના તાજેતરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના રસીના પ્રથમ તબક્કા પાછળ આશરે ૨૧થી ૨૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પ્રથમ તબક્કામાં સરકાર દેશમાં ૩૦ કરોડ લોકોનું રસીકરણ કરશે. ઉપરાંત બીજો તબક્કો કે જેમાં વધુ ૫૦ કરોડ લોકોને આવરી લેવાશે તે માટે ૩૫થી ૪૫ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. રકમ આપણા જીડીપીના .૩થી . ટકા જેટલી છે.

ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોરોના વેક્સીનની બે રસીને ઇમરજન્સી વપરાશ માટે છૂટ આપવામાં આવી છે. જેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીન શામેલ છે. ભારત સરકારનું આયોજન છે કે ઓગસ્ટ ૨૦૨૧ સુધી દેશના ૩૦ કરોડ લોકોને વેક્સીન આપવામાં આવે. ઉપરાંત વર્ષના અંત સુધી વધુ ૫૦ કરોડ લોકોને વેક્સીને આપવામાં આવે. એસબીઆઈ તરફથી અંદાજ મૂકવામાં આવ્યો છે કે પ્રત્યેક ડોઝ પાછળ ૧૦૦-૧૫૦ રૂપિયા વહીવટી ખર્ચ આવી શકે છે. ઉપરાંત એક ડોઝ માટે સરકારે ૨૫૦-૩૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ માટે સરકારે એક વ્યક્તિ પાછળ ૭૦૦-૯૦૦ રૂપિયા ખર્ચવા પડી શકે છે.

સરકારે ભારત બાયોટેકની રસીના ઇમરજન્સી ઉપયોગને પણ મંજૂરી આપી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના એક ડોઝની કિંમત ૧૦૦ રૂપિયાથી ઓછી હશે. જોકે, સરકાર માટે હજુ સુધી વેક્સીનનો ભાવ નક્કી થયો નથી. એસબીઆઈનું કહેવું છે કે ભારતમાં ૮૦ કરોડ લોકોને વેક્સીન આપવા માટે સરકારે ૫૬થી ૭૨ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.

દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થવા જઈ રહ્યો છે. મંગળવાર સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના પુણે સ્થિત પ્રોડક્શન સેન્ટરથી કોવિશીલ્ડની પહેલી ખેપ કડક સુરક્ષાની વચ્ચે ડિસ્પેચ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સોમવારે ઓક્સફર્ડ-એસ્ટ્રેજેનેકાની વેક્સીન કોવિશીલ્ડ માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર એક કરોડ દસ લાખ ડોઝનો છે. ઓર્ડર મુજબ, વેક્સીનના દરેક ડોઝની કિંમત ૨૦૦ રૂપિયા છે. તેની પર ૧૦ રૂપિયા GST લાગશે, એટલે કે તેની કિંમત ૨૧૦ રૂપિયા હશે.

કોવિશીલ્ડને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને વિકસિત કરી છે. પ્રથમ વેક્સીન છે જેના ત્રણ ચરણના ક્લીનિકલ પરીક્ષણો પર એક વૈજ્ઞાનિક અધ્યયન પ્રકાશિત થયું છે. કોવિશીલ્ડને અત્યાર સુધી ભારત, બ્રિટન, આર્જેન્ટિના, મેક્સિકોમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. કોવિશીલ્ડનું નિર્માણ કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા કરી રહ્યું છે. બજારમાં તેનું એક ઇન્જેક્શન કે ડોઝ ૧૦૦૦ રૂપિયામાં વેચવામાં આવશે.

(8:11 pm IST)