Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59 ટકા રહ્યો : વ્યાજદરમાં રાહત મળવાની ધારણા

ખાદ્યચીજોમાં મુખ્યત્વે ઘટાડાને પગલે ફુગાવામાં તેની અસર જોવા મળી

નવી દિલ્હી:દેશમાં ડિસેમ્બર મહિનામાં રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટીને 4.59 ટકા રહ્યો હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બરમાં 6.93 ટકા નોંધાયો હતો. ખાદ્યચીજોમાં મુખ્યત્વે ઘટાડાને પગલે ફુગાવામાં તેની અસર જોવા મળી હતી.

ખાદ્ય ચીજોનો ફુગાવો ડિસેમ્બરમાં ઘટીને 3.41 ટકા રહ્યો હતો જે નવેમ્બરમાં 9.5 ટકા રહ્યો હતો. દેશમાં ખાદ્ય ચીજોની સરળતાથી ઉપલબ્ધતા અને કિંમતોમાં ઘટાડાથી ફુગાવામાં રાહત થઈ હોવાનું જણાયું છે. ડિસેમ્બરમાં શાકભાજીના ભાવમાં વર્ષ દર વર્ષના હિસાબે 22.51 ટકાનો વધારો થયો હતો.

ફુગાવામાં ઘટાડાને પગલે આરબીઆઈ આગામી સમયમાં વ્યાજ દર વધુ હળવા કરવા વિચારણા કરી શકે છે.

બીજીતરફ નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન માઈનસ 1.9 ટકા નોંધાયું હતું. નવેમ્બરમાં ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા મુજબ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન માઈનસ 1.7 ટકા હતું. માઈનિંગ ઉત્પાદન 7.3 ટકા ગગડ્યું હતું જ્યારે વીજ ઉત્પાદન 3.5 ટકા વધ્યું હતું. અગાઉના વર્ષના નવેમ્બર માસમાં આઈઆઈપી 2.1 ટકા વધ્યું હતું.

કોરોના કાળને પગલે ઔદ્યોગિક ઉત્પાદનને ફટકો પડ્યો હતો અને ગત વર્ષે માર્ચથી જૂન સુધીમાં નોંધપાત્ર ગાબડું પડ્યું હતું. માર્ચ 2020માં આઈઆઈપીમાં તીવ્ર ઘટાડો રહેતા માઈન 18.7 ટકા રહ્યું હતું.

(6:54 pm IST)