Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મ.પ્રદેશઃ ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોના મોતઃ બે ડઝન બીમાર

ઝેરી દારૂએ બે ગામમાં વરસાવ્યો કહેરઃ પોલીસ અને પ્રશાસનના હોશ ઊડી ગયા

મુરૈના, તા.૧૨: મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લા થી એક મોટો સમાચાર સામે આવ્યા છે, જયાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોનાં મોત થયા છે. બીજી તરફ ડઝનબંધ લોકો બીમાર પડ્યા છે. આ દ્યટનાથી આસપાસના વિસ્તારમાં સોપો પડી ગયો છે. સાથોસાથ પોલીસ અને પ્રશાસનના હોથ ઉડી ગયા છે. સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે બીમાર લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

મળતી જાણકારી મુજબ, મામલો બાગચીની પોલીસ સ્ટેશનની હદના માનપુર ગામ અને સુમાવલી પોલીસ સ્ટેશનની હદના પહવાલી ગામનો છે. કહેવામાં આવી રહ્યું છે કે માનપુર ગામમાં ઝેરી દારૂ પીવાથી ૫ લોકોનાં મોત થયા છે. બીજી તરફ, પહવાલી ગામમાં પણ ૩ લોકોનાં ઝેરી દારૂ પીવાથી મોત થયા છે. જયારે ગંભીર રીતે ઘાયલમાંથી ૬ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બે વધુ લોકોનાં મોત થયા છે. મુરૈના જિલ્લા હોસ્પિટલના ડોકટર રાઘવેન્દ્ર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તમામ લોકોનાં મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. બીજી તરફ અનેક લોકોની તબિયત ખરાબ છે.

સોમવાર સવારે સૌથી પહેલા માનપુરમાં ઝેરી દારૂ પીવાથી એક વ્યકિતની તબિયત બગડી ગઈ, ત્યારબાદ પરિજનો ગંભીર સ્થિતિમાં તેને ગ્વાલિયર લઈ ગયા, જયાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. આ વ્યકિતનું શબ લઈને જયારે પરિજનો ગામમાં પરત પહોંચ્યા તો જાણવા મળ્યું કે ગામમાં દારૂ પીવાના કારણે બીજા લોકોની પણ તબિયત બગડી ગઈ છે.

નોંધનીય છે કે, આ કોઈ પહેલો મામલો નથી જેમાં મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી આટલા લોકોના મોત થયા હોય. ગયા વર્ષે લોકડાઉનની વચ્ચે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ગેરકાયદેરસ ઝેરી દારૂ પીવાથી ૮ લોકોનાં મોત થયા હતા. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે બે લોકોની હાલત ગંભીર થઈ હતી. પોલીસ અધીક્ષક ગૌરવ તિવારીએ જણાવ્યું હતું કે આ લોકોએ દારૂ પીધા બાદ તબિયત ખરાબ થવા લાગી તેથી તેમને રતલામ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(4:22 pm IST)