Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વેકસીનનું આગમન થતાં કંકુ-ચોખાથી પૂજા

'સર્વે સન્તુ નિરામયા' કોરોના વેકસીનના દરેક બોકસ ઉપર સંસ્કૃતમાં લખાણ : નાયબ મુખ્યમંત્રી દ્વારા એરપોર્ટ પર વેકસીનનો ૨.૭૬ લાખ ડોઝનો જથ્થો સ્વીકારાયો : આવતીકાલે મોટરમાર્ગે સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં કોલ્ડ ચેન દ્વારા કોરોનાનો જથ્થો પહોંચાડવામાં આવશે

અમદાવાદ, તા.૧૨: આતુરતાનો અંત આવ્યો છે. પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી નીકળેલી વેકસીન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે. ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જયાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વેકસીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેકસીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. તો ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા.  હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુકિત મળે તેવી પ્રાર્થના કરીને વેકસીનને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેકસીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પુષ્પક વિમાનની જેમ આ વિમામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. આખરે તેનું લેન્ડિંગ થયું છે. વેકસીનના બોકસ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેકસીનના બોકસ પર 'સર્વે સંતુ નિરામયા'લખાયેલું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમામ રસીનો જથ્થો લાવવામાં આવ્યો છે.  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપીને કોરોના વેકસીનને રવાના કરી છે.

નીતિન પટેલે વેકસીનની ગાડીને લીલીઝંડી આપી હતી, જેા બાદ તેે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી રહી છે. ગુજરાત માટે સિરમ કોવિશિલ્ડ વેકિસનનો કુલ ૭ લાખ ૭૬ હજાર જથ્થો આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેકિસનેશન સ્ટોરેજ ખાતે જથ્થો નીકળ્યો છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.

વેકસીનને આવકારતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ભારત સરકારે મોટા જથ્થામાં પ્રથમ તબક્કામાં કોરોના રસી મોકલી દીધી છે. ૧૬ જાન્યુઆરીથી રસીકરણ શરૂ થવાનું છે. આજે ગુજરાત સરકારને ભારત સરકાર દ્વારા પૂણેથી ૨ લાખ ૭૬ હજાર વેકસીનનો જથ્થો મોકલી આપ્યો છે. આ જથ્થો સ્વીકારવા અને પ્રજાની લાગણી અને જરૂરિયાતને પૂરી કરવા સતત પ્રયાસો ચાલુ રહ્યાં છે. દેશ રાહ જોઇ રહ્યો હતો એ રસી આવી ગઈ. ગુજરાતમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને આપવાની રસીનો જથ્થો પુરો પાડવાની આજથી શરૂઆત કરાઈ છે. રસીને લેવા માટે અમે આજે પહોંચ્યા છીએ. ભારતના વડાપ્રધાન લોકોની જે ચિંતા કરી રહ્યા છે તે દેખાય છે. લોકોનો ઉત્સાહ જ બતાવે છે કે વેકસીનથી કેવી રાહત થવાની છે. દેશના ૩૦ કરોડ નાગરિકોને જે વેકસીનેશન કરવાની છે, તેના જથ્થાનો સપ્લાય થઇ રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, કોરોના મહામારીનો આપણે મક્કમતાથી સામનો કર્યો છે, પરંતુ સમગ્ર દેશ અને ગુજરાત રાજય જેની આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું તે ઐતિહાસિક દિવસ આજે આવી ગયો છે. પૂણેથી હવાઈમાર્ગે અમદાવાદ એરપોર્ટ પર આવેલા કોરોના વેકિસનના જથ્થાને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સહર્ષ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા વેકિસનના જથ્થાને ગુજરાતના વિવિધ સ્થળોએ પહોંચાડવા લીલીઝંડી આપીને રવાના કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર કોવિડ શિલ્ડ વેકિસનનો કુલ ૨,૭૬,૦૦૦ જથ્થો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યો હતો.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ પર આવેલા પ્રથમ તબક્કાના કોરોના વેકિસન નો જથ્થાની વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે આ વેકિસનનો જથ્થો કુલ ત્રણ ઝોનમાં વિભાજિત થનાર છે. એક બોકસમાં ૧૨,૦૦૦ના જથ્થા સાથે વેકિસનના કુલ ૨૩ બોક્ષ અત્રે આવી પહોંચ્યા છે.

જેમાંથી આજે ગાંધીનગર ઝોનમાં બનાવેલ સ્ટેટ વેકિસન સ્ટોરમાં ૮ બોકસ એટલે કે ૯૬ હજાર વેકિસન ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલની પાસે રિજિયોનલ વેકિસન સ્ટોરમાં ૧૦ બોકસ એટલે કે કુલ ૧ લાખ ૨૦ હજાર વેકિસનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે, જયારે ભાવનગર ઝોનમાં ૫ બોકસ એટલે કે ૬૦ હજારનો જથ્થો પહોંચાડવામાં આવશે. ગ્રીન કોરિડોર મારફતે અભેદ સુરક્ષા સાથે સમગ્ર વેકિસનનો જથ્થો જે તે ઝોન અને સ્થળ પર પહોંચતો કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આવતીકાલે ૧૩ મી જાન્યુઆરીના રોજ પુનાથી મોટરમાર્ગે કોલ્ડ ચેન દ્વારા સુરતમાં ૯૩,૫૦૦ વેકિસંનનો જથ્થો, વડોદરામાં ૯૪,૫૦૦ વેકિસનનો જથ્થો અને રાજકોટ ખાતે ૭૭ હજાર કોવિડશિલ્ડ વેકિસનનો જથ્થો નાગરિકો માટે પહોંચાડવામાં આવશે. પ્રથમ તબક્કાના રસીકરણ કાર્યક્રમમાં રાજયના આરોગ્ય કર્મીઓ અને નાગરિકોને સરળતાથી વેકિસન મળી રહે તે માટે સમગ્ર રાજયમાં ૨૦ હજાર વેકિસન કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. ગુજરાત રાજયના ૪ લાખ ૩૩ હજાર સરકારી અને ખાનગી આરોગ્ય સાથે સંકળાયેલા તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મીઓમાં રસીકરણ પ્રાથમિક તબક્કે રસીકરણ કરવામા આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી નીતિન પટેલે વધુ વિગતો આપતા કહ્યું કે ૧૬મી તારીખે સમગ્ર રાજયમાં રસીકરણની પ્રક્રિયાના પ્રાથમિક તબક્કા નો પ્રારંભ થનાર છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના ૨૮૭ રસીકરણ કેન્દ્રો પર આરોગ્ય કર્મીઓ,તબીબો,નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર રસીકરણ કાર્યક્રમની ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તબીબો સાથે વાતચીત કરીને રસીકરણની અસરકારક અમલવારી માટે પ્રોત્સાહન પુરૃં પાડવામાં આવશે તેમ નાયબ મુખ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું.

નાયબ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર કોરોના કાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગનો સતત માર્ગદર્શન અને તેમની દેખરેખ અને દિશા નિર્દેશો નું અમલીકરણ રાજયમાં કોરોનાની સ્થિતિને કાબુમાં રાખવા માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

અમદાવાદ એરપોર્ટ પર રસીકરણના જથ્થાના સ્વીકાર પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિ, કોરોના રસીકરણ પ્રક્રિયાના રાજયના નોડલ અધિકારી શ્રી મુકેશભાઈ પંડ્યા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:12 pm IST)