Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

યુનોમાં ચીનની આડોડાઈ:સલામતી સમિતિની એક પેટા કમિટીનું અધ્યક્ષપદ નોર્વેને ફાળે : ભારતને લાગ્યો ઝટકો

નોર્વે અલ કાયદા પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે.: આવતા વરસે ભારત કાઉન્ટર ટેરરીઝમ કમિટિના અધ્યક્ષપદે બિરાજશે

નવી દિલ્હી : લદ્દાખ સરહદે પોતાના અટકચાળા છતાં કારી નહીં ફાવતાં ચીન બીજી રીતે ભારતને હેરાન કરવાના ષડ્યંત્ર અમલમાં મૂકી રહ્યું હતું. યુનોની સલામતી સમિતિની એક પેટા સમિતિમાં ભારત અધ્યક્ષ ન બની શકે એ માટે ચીન કાવતરું કરી રહ્યું હતું. જૈશ એ મુહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયાથી ચીન ભૂરાયું થયુંછે

પહેલી જાન્યુઆરીથી ભારતે યુનોની સલામતી સમિતિના અસ્થાયી સભ્ય તરીકેની કામગીરી શરૂ કરી હતી. ભારતને કાઉન્ટર ટેરરીઝમ કમિટિ અને તાલિબાન અને લીબિયા કમિટિનું અધ્યક્ષપદ પણ ભારતને મળ્યું હતું. પરંતુ અત્યંત મહત્ત્વની એવી અલ કાયદા પ્રતિબંધ કમિટિના અધ્યક્ષપદે ભારત ન આવી શકે એ માટે ચીને પોતાની પૂરી તાકાત કામે લગાડી દીધી હતી. આ એ જ સમિતિ છે જેણે આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓ મસૂદ અઝહર, હાફિઝ સૈયદ અને લશ્કરે તૈયબ વગેરે પર પ્રતિબંધો લાદ્યા હતા. હાલ આ સમિતિમાં ચીન એકમાત્ર એવો દેશ છે જે ભારતને આ સમિતિના અધ્યક્ષપદે આવતાં રોકે છે.

યુનોની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યોમાંના એકના વિશ્વસનીય સૂત્રે જણાવ્યા મુજબ અલ કાયદા પ્રતિબંધ કમિટિના અધ્યક્ષપદે ભારત ન આવી શકે એ માટે ચીન સતત કાવાદાવા કરી રહ્યું હતું. ચીનની અડીબાજીને કારણેજ કમિટિ રચવામાં વિલંબ થઇ રહ્યો હતો

ચીનના વિરોધને કારણે પહેલીવાર એવું બનશે કે તાલિબાન પ્રતિબંધ કમિટિ અને અલ કાયદા પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ અલગ અલગ દેશો કરશે. આવતા વરસે ભારત કાઉન્ટર ટેરરીઝમ કમિટિના અધ્યક્ષપદે બિરાજશે. હાલ ભારત તાલિબાન પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે અને નોર્વે અલ કાયદા પ્રતિબંધ કમિટિનું અધ્યક્ષપદ સંભાળશે.

(12:48 pm IST)