Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૨૪ કલાકમાં કોરોનાથી માત્ર ૧૨,૫૮૪ લોકો થયા સંક્રમિત : ૧૬૭ના મોત

ભારતમાં હાલ ૨,૧૬,૫૫૮ એક્‍ટિવ કેસો : કુલ મૃત્‍યુઆંક ૧,૫૧,૩૨૭એ પહોંચ્‍યો : એક્‍ટિવ કેસોમાં ભારત ૧૩માં ક્રમે

નવી દિલ્‍હી તા. ૧૨ : ભારતમાં કોરોના વેક્‍સીનેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ એક દિવસમાં નોંધાતા કોવિડ-૧૯ સંક્રમિત કેસોમાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, ઉપરાંત મૃત્‍યુઆંક પણ ઘટ્‍યો છે. તેની સાથોસાથ એક્‍ટિવ કેસોના મામલે ભારત હવે ૧૩માં નંબર પર આવી ગયું છે. કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૨,૫૮૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૬૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૧,૦૪,૭૯,૧૭૯ થઈ ગઈ છે. દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧ લાખ ૧૧ હજાર ૨૯૪ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. ૨૪ કલાકમાં ૧૮,૩૮૫ દર્દીઓને ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. હાલમાં ૨,૧૬,૫૫૮ એક્‍ટિવ કેસો છે. દેશમાં અત્‍યાર સુધીમાં કુલ ૧,૫૧,૩૨૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૧ જાન્‍યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૨૬,૫૨,૮૮૭ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૮,૯૭,૦૫૬ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.  ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી શરૂ થઈ ગયા છે. રાજયમાં આજે ૧૧મી જાન્‍યુઆરીએ સાંજે ૫.૦૦ વાગ્‍યાની સ્‍થિતિ મુજબ કુલ ૬૧૫ નવા કેસ નોંધાયા છે જયારે વાયરસની મ્‍હાત આપીને કુલ ૭૪૬ દર્દી ઘરે પરત ગયા છે. આમ રાજયમાં કોરોના વેક્‍સિન પહેલાં જ કાબૂમાં છે.

(11:45 am IST)