Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કુંભ મેળાની જોરશોરથી તૈયારીઓ શરૂ : આ વખતે ૬૦ દિવસનો મેળો

નગર પ્રવેશ, ભુમિ પુજન, ધર્મધ્વજા સહીતના કાર્યક્રમોની તવારીખી જાહેર : જુના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડાનું એક સાથે શાહી સ્નાન : પાણીમાં ડુબકી મારતા પહેલા કોરોના રીપોર્ટ બતાવવો ફરજીયાત : તંત્રની નવી વ્યવસ્થાઓને લઇને મહંત નરેન્દ્રગીરી ભારે નારાજ

લખનઉ તા. ૧૧ : મકર સંક્રાંતિથી શરૂ થઇ રહેલ હરીદ્વાર કુંભ મેળાને લઇને નગર પ્રવેશ, ભુમિ પૂજન, ધર્મધ્વજા સહીતના કાર્યક્રમોની તવારીખી જાહેર થઇ ચુકી છે.

અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અને જુના અખાડાના આંતરરાષ્ટ્રીય સંરક્ષક મહંત હરીગીરી મહારાજાએ જુના અખડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ તારીખો જાહેર કરી છે.

મહંત હરીગીરીએ જણાવ્યુ કે ત્રણેય અખાડા સાથે મળીને શાહી સ્નાનનો લાભ લ્યે છે. ત્રણેની ધર્મધ્વજા અને છાવણી જુના અખાડાના પરિસરમાં સ્થાપન થશે.

પરંપરા અનુસાર સૌથી પહેલા જુના અખાડા ત્યાર પછી આવાહન અખાડા અને ત્યાર પછી અગ્નિ અખાડાનો ક્રમ સ્નાન માટે રહે છે. પરંતુ આ વખતે પહેલીવાર એવુ થશે કે આ અખાડાઓની સાથે જ કિન્નર અખાડા અને દંડી સ્વામી પણ જુના અખાડા સાથે શાહી સ્નાનનો લાભ લેશે.

૨૫ જાન્યુઆરીના જુના અખાડાની આગેવાનીમાં આહવાન અખાડા અને અગ્નિ અખાડા કાંગડી સ્થિત પ્રેમગીરી આશ્રમથી ધર્મધ્વજા સાથે નગર પ્રવેશ કરશે.  રમતા પંચ ઝુલુસ આગળ આગળ ચાલશે.

૧૬ ફેબ્રુઆરીની વહેલી સવારે ૧૦ વાગ્યાથી લઇને બપોરના ૨ સુધી ભુમિ પૂજન કરવામાં આવશે. ત્યાર પછી ત્રણે અખાડા પોત પોતાની ધર્મ ધ્વજા સ્થાપિત કરશે.

૨૭ ફેબ્રુઆરીના બપોરે પાંડેવાલા જવાલાપુર છાવણીમાં પ્રવેશ કરાશે.

આ ૪૮ દિવસ મનાવવામાં આવતો આ કુંભ મેળો આ વખતે ૬૦ દિવસનો થશે. તેવા નિર્દેશો પોલીસ મહાનિર્દેશકશ્રીએ આપેલ છે. ૨૭ કે ૨૮ ફેબ્રુઆરીની મંજુરી જારી કરવામાં આવનાર છે.

હાલ કોરોના સંક્રમણને ધ્યાને લઇ સ્નાન માટે કોરોના રીપોર્ટનો ખાસ આગ્રહ રાખવામાં આવશે. પછી જ સ્નાનની અનુમતિ અપાશે.

પોલીસ મહાનિર્દેશકે જણાવ્યા મુજબ સ્નાનના પાંચેક દિવસ પહેલા કોરોના નેગેટીવ હોય તેવા શ્રધ્ધાળુઓને જ ગંગા સ્નાન કરવાની મંજુરી અપાશે.

ટ્રાફીક અને પાર્કીંગ વ્યવસ્થા માટે હાલ જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કુંભ મેળાને સાંકળતી સાઇટો પર સતત નવુ નવુ અપડેટ મળી રહ્યુ છે. આ વખતે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રજીસ્ટ્રેશન ન હોય તેઓને પણ સ્નાન કરવા અનુમતિ નહી અપાય.આ નવી વ્યવસ્થાઓને લઇને અખિલ ભારતિય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરી ભારે નારાજ હોવાનું પણ ચર્ચાઇ રહયુ છે.

(11:40 am IST)