Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

બજેટ ૨૦૨૧...કલમ ૮૦સી-૮૦ટીટીએની લિમિટ વધારવી જરૂરી

કલમ ૮૦સીની લિમિટ વધારીને ૩ લાખ કરવી જરૂરીઃ કલમ ૮૦ટીટીએની લિમિટ વધારીને ૩૦,૦૦૦ કરવી જોઈએ : ૨૫૦૦૦ રૂા.ના ટર્મ ઈન્‍સ્‍યુરન્‍સ માટે અલગથી ડીડકશન હોવુ જરૂરીઃ ૫ લાખ સુધીની હોમલોન ડીડકશન માટે નવી કલમ જરૂરી

નવી દિલ્‍હી, તા. ૧૨ :. દર વર્ષે રજુ થતા સામાન્‍ય બજેટમાં અન્‍ય જાહેરાતોની સાથે સાથે એ વાત પર લોકોનું સૌથી વધારે ધ્‍યાન રહે છે કે સરકાર આવકવેરામાં શુ રાહત આપવાની છે. આ વખતના બજેટમાં પણ લોકોને ઘણી આશા છે. બજેટ ૨૦૨૦માં સરકારે વૈકલ્‍પીક સ્‍લેબ લાવીને અને હોમ લોન પર ૧.૫ લાખ સુધીની વધારાની છૂટને એક વર્ષ લંબાવવાનો પ્રસ્‍તાવ કરીને મોટી રાહત આપી હતી પણ પગારદાર કરદાતાઓને સરકાર પાસેથી કેટલીક અન્‍ય રાહતોની પણ આશા છે. આવકવેરા કાયદા હેઠળ ટેકસ ડીડકશનનો પુરો ફાયદો કરદાતાઓને મળી શકે તેના માટે ૨૦૨૧ના બજેટમાં આ ૪ ભલામણો પર ધ્‍યાન આપવાની જરૂર છે.

(૧) ૫ લાખ સુધીના હોમ ડીડકશન માટે નવી કલમ

ટેક્ષ ડીડકશનને સુવ્‍યવસ્‍થિત કરવાની જરૂર છે જેથી ઘર ખરીદનાર બધા કરદાતાઓને ફાયદો થાય. અત્‍યારે હોમ લોન લેનારને આવકવેરાની કલમ ૮૦સી, ૨૫બી, ૮૦ઈઈ અને ૮૦ઈઈએ હેઠળ ડીડકશનનો લાભ મળે છે. આ બધાને ભેગા કરીને એક સીંગલ કલમ બનાવવામાં આવે જે ફકત હોમ લોનની ચુકવણી માટે હોય અને તે ચુકવણીમાં વ્‍યાજ અને મૂળ રકમ બન્ને સામેલ હોય.

આ કલમોને એટલા માટે પણ વ્‍યવસ્‍થિત કરવી જરૂરી છે કેમ કે ૮૦ઈઈ અને ૮૦ઈઈએ હેઠળ બીજીવાર લોન પર ઘર ખરીદનારને લાભ નથી મળતો. આવકની મર્યાદાના કારણે પોલીસવારમાં જ યોગ્‍ય સાઈઝનું ઘર લેવુ દરેક માટે શકય નથી. ઉપરાંત સેકશન ૮૦સી હેઠળ ટેકસ ડીડકશનની દોઢ લાખ રૂપિયાની મર્યાદા બહુ ઓછી છે અને પરિવારો માટે તેમના લોન પેમેન્‍ટસ, ઈન્‍સ્‍યોરન્‍સ પ્રીમીયમ અને અન્‍ય જરૂરી ખર્ચની ફુલ વેલ્‍યુ પ્રાપ્‍ત કરવી અશકય છે. એટલે જ હોમ લોન પેમેન્‍ટ માટે અલગ કલમ જરૂરી છે.

(૨) ૮૦સીની લિમિટ વધારીને ૩ લાખ કરવામાં આવે

જીવન વિમા અને હોમ લોન પેમેન્‍ટસ માટે નવા ટેક્ષ ડીડકશનની સાથે આવકવેરા કાયદાની કલમ ૮૦સીની લિમિટમાં વધારાથી હોમ લોન અને ટર્મ ઈન્‍સ્‍યોરન્‍સ લેવા પ્રોત્‍સાહિત કરશે. ઉપરાંત તેમને સરકારી સ્‍કીમ્‍સ જેવી કે ઈપીએફ, પીપીએફમાં વધારે રોકાણ કરવા પ્રેરીત કરશે.

(૩) ૨૫૦૦૦ના ટર્મ ઈન્‍સ્‍યોરન્‍સ માટે અલગ ડીડકશન

કરદાતાઓને તેમના અલગ અલગ જરૂરી ખર્ચા જેવા કે ઈન્‍સ્‍યોરન્‍સ પ્રીમીયમ્‍સ માટે ટેક્ષ ડીડકશન હેઠળ સંપૂર્ણ છૂટ આપવી જરૂરી છે. કલમ ૮૦સી હેઠળ ૧.૫ લાખ સુધીની ડીડકશન લિમિટ અપુરતી છે. ખાસ કરીને એવા લોકો માટે જેમના ખર્ચ જટીલ છે અને પરિવારના લોકો તેમના પર નિર્ભર છે અને જેમના પર નાણાકીય જવાબદારીઓ છે. એટલે જીવન વિમાના પ્રીમીયમોને કલમ ૮૦સીમાંથી કાઢીને એક નવી કલમ હેઠળ મુકવા જરૂરી છે.

(૪) કલમ ૮૦ટીટીએની લિમિટ વધારીને ૩૦,૦૦૦ કરવી

અત્‍યારે કલમ ૮૦ટીટીએ હેઠળ બેંક/કો-ઓપરેટીવ સોસાયટી/ પોસ્‍ટ ઓફિસના બચત ખાતાઓમાં ૬૦ વર્ષથી ઓછી વયની વ્‍યકિત અથવા હિન્‍દુ અવિભકત કુટુંબ માટે ૧૦,૦૦૦ રૂપિયા સુધીની વ્‍યાજની વાર્ષિક આવક પર છૂટ મળે છે. આ લિમિટ વધારીને ૩૦,૦૦૦ રૂપિયા કરવા જોઈએ. આ પગલાથી લોકોને ઘરમાં પૈસા રાખવાના બદલે બચત ખાતામાં રાખવાને પ્રોત્‍સાહન મળશે.

(10:40 am IST)