Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૫ કરોડના ટર્નઓવર પર ઇ-ઇનવોઇસનો નિયમ ફરજિયાત લાગુ કરવા કવાયત

હાલમાં ૧૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર માટે નિયમ લાગુ : બોગસ બિલિંગ અટકાવવા માટે જીએસટી દ્વારા વધુ એક પ્રયાસ

મુંબઇ,તા. ૧૨: હાલમાં ૧૦૦ કરોડ અને તેના કરતાં વધુ ટર્નઓવર ધરાવનારે ફરજિયાત ઇ-ઇનવોઇસથી જ માલનું વેચાણ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જયારે આગામી ૬ માસમાં પાંચ કરોડ અને તેના કરતાં વધુ ટર્નઓવર ધરાવનારે પણ ઇ-ઇનવોઇસનો નિયમ ફરજિયાત બનાવવામાં આવે તે પ્રમાણની કાર્યવાહી જીએસટીએન દ્વારા શરૂ કરાઈ છે.

સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં બોગસ બિલિંગના નેટવર્કમાં સતત વધારો થઇ રહ્યો છે. તેને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવતા તમામ પ્રયાસો વચ્ચે રસ્તોકાઢીને પણ બોગસ બિલિંગનું રેકેટ સુલ્યવસ્થિત ચાલી રહ્યું છે, જેથી વધુ સુધારો કરવાની દિશામાં જીએસટી આગળ વધી રહ્યું છે. કારણ કે હાલમાં ૧૦૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાઓ માટે ફરજિયાત ઇ-ઈનવોઇસનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેથી તમામ વેચાણનું ઇ-ઇનવોઇસ બનવાને કારણે તમામ જાણકારી ઓતલાઇન જ જીએસટીના અધિકારીઓને મળશે. તેની સામે ખોટી રીતે આઇટીસી લીધી હશે તો જીએસટીના અધિકારીઓને તેની જાણકારી સરળતાથી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે આગામી દિવસોમાં ટર્નઓવરને ઘટાડીને પાંચ કરોડ સુધી લઇ જવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેથી નાનામાં નાના વેપારીઓએ પણ ઇનવોઇસથી જ વેપાર કરવાની સ્થિતિ ઊભી કરાશે.

નાના વેપારીઓએ ઇનવોઇસ બનાવવા માટે વધારાનો સ્ટાફ રાખવાની સ્થિતી સર્જાશે

હાલમાં પાંચ કરોડની આસપાસનું ટર્નઓવર ધરાવનાર વેપારી એકાઉન્ટન્ટ રાખતા હોય છે જયારે ફરજિયાત ઇનવોઇસનો નિયમ લાગુ કરવામાં આવે તો નાના વેપારીઓએ વધુ એક સ્ટાફને રાખવાની સ્થિતિ ઊભી થવાની છે. જેથી ઇ-ઇનવોઇસનો નિયમ અમલમાં આવ્યા બાદ નાના વેપારી પર આર્થિક ભારણ વધવાની શકયતા રહેલી છે.

(10:06 am IST)