Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કાલે થશે મતદાન

સંસદ ભવનમાં થયેલી હિંસાને લઇને ટ્રમ્પ વિરૂધ્ધ મહાભિયોગ પ્રસ્તાવ રજુ

વોશિંગ્ટન,તા. ૧૨: અમેરિકાના સંસદ ભવનમાં ગત બુધવારે થયેલી હિંસા માટે પ્રતિનિધિ સભાના ડેમોક્રેટ સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર માનતા તેના પર મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડેમોક્રેટ સાંસદોના પ્રભુત્વવાળા પ્રતિનિધિ સભામાં આ પ્રસ્તાવ પર બુધવારના રોજ મતદાન થઇ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ઘ પ્રસ્તાવ રજૂ થયા બાદ પ્રતિનિધિ સભામાં બહુમત નેતા સ્ટેની હોયરે કહ્યું કે જો આ પ્રસ્તાવ પસાર થઇ જાય છે તો ટ્રમ્પ પહેલા રિપબ્લિકન રાષ્ટ્રપતિ હશે જેમણે બે વખત મહાભિયોગનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ આ પ્રસ્તાવનો વિરોધ કરતાં રિપબ્લિકન સાંસદ અલેકસ મૂને કહ્યું કે સદન આ મહાભિગોયગ પ્રસ્તાવને નામંજૂર કરી દેવો જોઇએ.

પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેંસી પેલોસીએ આક્ષેપોનો મુસદ્દો સંસદમાં રાખતા પહેલાં કહ્યું કે આપણા બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે આપણે તાત્કાલિક પગલુ ઉઠાવું જોઇએ, કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પદ પર રહેવાથી બંધારણને ખતરો છે.

પેલોસીની ટીમ ૨૫મું સંશોધન લાગુ કરવા માટે ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ અને કેબિનેટના મંત્રીઓને મોડી સાંજે આ મસોદા પર મતદાન કરવા જણાવશે. જો કે સંસદનું સત્ર નથી ચાલી રહ્યું તેના કારણે તેમના વિચાર પર મુશ્કેલી આવી શકે છે. ત્યારબાદ પેલોસી મંગળવારે પૂર્ણ ગૃહ સમક્ષ દરખાસ્ત કરશે. તેને પસાર કરવા માટે પેન્સ અને કેબિનેટની પાસે મહાભિયોગની કાર્યવાહી પહેલા ૨૪ કલાકનો સમય હશે.

મહાભિયોગની પ્રક્રિયા તેજ થવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પર પોતાના કાર્યકાળ પહેલા જ પદ છોડવાનું દબાણ વધી ગયું છે. કેલિફોર્નિયાના પૂર્વ ગર્વનર અર્નોલ્ડે યુએસ કેપિટલમાં ટ્રમ્પ સમર્થકોના હંગામા અને હિંસાની સરખામણી નાજિયો સાથે કરી છે અને ટ્રમ્પને એક નિષ્ફળ નેતા કહ્યા જે ઇતિહાસમાં 'અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ' તરીકે ગણાશે. આર્નોલ્ડ શ્વાર્જેનેગરે કહ્યું કે અમેરિકામાં જે કાંઇ પણ થયું તેણે નાઝિયોની યાદ અપાવી દીધી જયારે ૧૯૩૮માં નાઝિયોએ યહુદિઓના ઘર, સ્કૂલ તેમજ સંસ્થાઓમાં તોડફોડ કરી હતી.

દેશના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન અને નવનિર્વાચિત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ૨૦ જાન્યુઆરીના શપથ ગ્રહણ સમારોહમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પેંસ સામેલ થશે. જો કે નિવર્તમાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાને શપથ સમારોહથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

(10:05 am IST)