Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ચીને પૂર્વી લદ્દાખમાં LAC પાસેથી લગભગ ૧૦,૦૦૦ સૈનિકોને પાછળ હટાવ્યા

ચીને ગત વર્ષે એપ્રિલ-મે માં આ સૈનિકોને ત્યાં ગોઠવ્યા હતા

નવી દિલ્હી,તા. ૧૨:ભારત અને ચીન વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલે રહેલા ગતિરોધ વચ્ચે ચીની સેનાએ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ઉંડાણવાળા ક્ષેત્રોથી લગભગ ૧૦,૦૦૦ સૈનિકોને પાછળ હટાવી લીધા છે. જોકે સીમાવર્તી ક્ષેત્રોમાં તૈનાતી પહેલા જેવી જ છે અને બંને પક્ષોના સૈનિકો તે સેકટરના દ્યણા સ્થાનો પર એકબીજા સામે છે.

સરકારી સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે ચીની સેના પૂર્વી લદ્દાખના સેકટર અને તેની પાસેના વિસ્તારોમાં પોતાના પારંપરિક પ્રશિક્ષણ ક્ષેત્રોથી લગભગ ૧૦,૦૦૦ સૈનિકોને પાછા બોલાવ્યા છે. ચીને ગત વર્ષે એપ્રિલ-મે માં આ સૈનિકોને ત્યાં ગોઠવ્યા હતા.

સૂત્રોએ કહ્યું છે કે ભારતીય સરહદ પાસે રહેલા ચીની સૈનિકો દ્વારા લાવવામાં આવેલા ભારે હથિયાર પણ આ ક્ષેત્રમાં યથાવત્ છે. સૂત્રોએ કહ્યું કે ઉંડાણવાળા ક્ષેત્રોમાંથી સૈનિકોને હટાવવાનું કારણ સખત પડી રહેલી ઠંડી હોઈ શકે છે. અત્યંત ઠંડા ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સૈનિકોને રાખવા મુશ્કેલ કામ હોઈ શકે છે.

સૂત્રોએ કહ્યું હતું કે એ કહેવું મુશ્કેલ છે કે આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચ પછી તાપમાનમાં વધારો થવા પર તે સૈનિકોને પાછા લાવશે કે નહીં. ૨૦૨૦માં એપ્રિલ-મે માં ચીની સેનાએ આક્રમક મુદ્રામાં પૂર્વી લદ્દાખ સેકટરમાં ભારતીય સરહદની નજીક લગભગ ૫૦,૦૦૦ સૈનિકો તૈનાત કર્યા હતા. ચીનની આ કાર્યવાહી પર ભારતીય પક્ષે ઝડપથી પ્રક્રિયા આપતા અને પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા કોઇપણ અન્ય દુસાહસને રોકવા માટે ત્યાં લગભગ સરખી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા.

(10:04 am IST)