Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

કૃષિ કાનૂન મામલે સરકારને સુપ્રિમની ફટકારથી સોનિયા ગાંધી ભારે ઉત્સાહિતઃ વિપક્ષી નેતાઓને કર્યા ફોનઃ પવાર પણ સક્રિય

સરકારને ભીડવવા માટે વિપક્ષો સંયુકત રણનીતિ તૈયાર કરવા લાગ્યાઃ ટૂંક સમયમાં વિપક્ષોની બેઠક પણ યોજાશે

નવી દિલ્હી, તા. ૧૨ :. કિસાન આંદોલનને યોગ્ય રીતે હેન્ડલ નહી કરવાને લઈને સુપ્રિમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવ્યા બાદ આજે વિપક્ષો એકટીવ બની ગયા છે. કૃષિ કાનૂન પર આજે સુપ્રિમ કોર્ટનો ફેંસલો આવી રહ્યો છે અને કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ આ દરમિયાન ભાવિ રણનીતિ ઘડવા વિપક્ષો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. અત્યાર સુધી મોદી સરકારને ભીંસમાં લેવામાં નિષ્ફળ ગયેલ વિપક્ષને હવે સુપ્રિમની ટીપ્પણી બાદ નવી તક મળી છે. માનવામાં આવે છે કે બજેટ સત્ર દરમિયાન મોદી સરકારને ભીડવવા સોનિયા સક્રિય બનશે.

કોંગ્રેસે સુપ્રિમ કોર્ટની ટિપ્પણી બાદ મોદી સરકારની ટીકા કરી ત્રણેય કાનૂન રદ કરવાની માંગણી કરી હતી. સંસદના બજેટ સત્ર પૂર્વે સોનિયા ગાંધી વિપક્ષના અનેક એવા નેતાઓના સંપર્કમાં છે જે કૃષિ કાનૂનને લઈને સરકારને ઘેરવાની સંયુકત રણનીતિ કરવા ટૂંક સમયમાં બેઠક યોજશે.

સંસદના સત્ર પહેલા વિપક્ષી નેતાઓની બેઠક બોલાવવાના હેતુથી વિપક્ષના લોકોએ સોનિયા સાથે વાતચીત પણ શરૂ કરી દીધી છે. સોનિયાએ ગઈકાલે કેટલાક વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી હતી. આજે પણ આ દૌર ચાલુ રહ્યો છે.

સોનિયાએ વિપક્ષી નેતાઓને ફોન કરી એક સંયુકત બેઠક બોલાવવા આગ્રહ કર્યો છે કે જેથી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આબાદ રણનીતિ તૈયાર શરૂ થઈ શકે. શરદ પવાર પણ ડાબેરી નેતાઓને મળ્યા હતા., સોનિયાએ પણ વિપક્ષી નેતાઓને ફોન કર્યા હતા.

સુપ્રિમની ટીપ્પણી બાદ કોંગ્રેસ ઉત્સાહીત છે અને પક્ષના નેતાઓનું માનવુ છે કે કોર્ટ આ કાનૂનને સ્થગીત કરી શકે છે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે સંકેત આપ્યો હતો કે તે કૃષિ બીલના અમલ પર મનાઈ ફરમાવી શકે છે.

(9:58 am IST)