Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

૧૬મીથી મહાઅભિયાનઃ કોવિશીલ્ડની પ્રથમ ખેપ પૂણેથી દેશભરમાં રવાના

લોકોની ઈન્તેજારીનો આખરે અંતઃ પોલીસ સુરક્ષા વચ્ચે આજે સવારે વેકસીનની પહેલી ખેપ સિરમ ઈન્સ્ટીટયુટ પૂણેથી રવાના થઈઃ વિમાન દ્વારા દેશના વિવિધ સ્થળોએ પહોંચાડાશે : પૂજા-પાઠ કર્યા બાદ સિરમથી ટ્રકો રવાના કરાયાઃ સરકારે ૧.૧ કરોડ કોવિશિલ્ડનો ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે

નવી દિલ્હી, તા. ૧૨ :. કોરોના વિરૂદ્ધ ભારતનો જંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ૧૬મીથી દેશમાં રસીકરણનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યુ છે. આ માટે આજે સિરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયાએ ઓકસફોર્ડ-એસ્ટ્રેજેનિકા કોવિડ-૧૯ વેકસીનની પહેલી ખેપ સરકારને મોકલી આપી છે. સરકારે સિરમ પાસેથી 'કોવિશિલ્ડ'ના ૧.૧ કરોડ ખોરાક એટલે કે ડોઝ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. પ્રત્યેક રસી પર જીએસટી સહિત ૨૧૦ રૂ.ની કોસ્ટ આવી રહી છે. આજે સવારે સિરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા-પૂણે ખાતેથી કોવિશિલ્ડ વેકસીનની પહેલી ખેપ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરવામાં આવી હતી.

વેકસીનથી લદાયેલા ૩ ટ્રક સિરમથી એરપોર્ટ રવાના થયા હતા. પૂજા-પાઠ કર્યા બાદ રવાના થયેલા આ ટ્રક એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાંથી વિમાન દ્વારા દેશભરના લોકેશન પર તેની ડીલીવરી કરવામાં આવી રહી છે. આજે કુલ ૩ ટ્રક પૂણે એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા હતા જ્યાંથી ૮ ફલાઈટ વેકસીનને ૧૩ સ્થળે પહોંચાડી રહી છે. પ્રથમ ફલાઈટ દિલ્હી એરપોર્ટ માટે રવાના થઈ હતી.  આવતા દિવસોમાં વધુ ૫ કન્ટેનર ટ્રકો થકી ગુજરાત, એમપી, હરીયાણામાં કોવિશિલ્ડ વેકસીનની સપ્લાય કરવામાં આવશે. આ કામમાં જીપીએસ સુવિધા સાથેના ૩૦૦ કન્ટેનર ટ્રકોને કામે લગાડાયા છે. જરૂર પડયે ૫૦૦ વધુ ટ્રકોનો ઉપયોગ કરવામાં આવશે.

ભારતમાં ૧૬મીથી મહાઅભિયાન શરૂ થઈ રહ્યુ છે. આવતા કેટલાક મહિનામાં ૩૦ કરોડ લોકોને રસી લગાડવામાં આવશે.

સરકારે ભારત બાયોટેકને પણ ૫૫ લાખ ડોઝનો ઓર્ડર આપ્યો છે. જેની કોસ્ટ ૧૬૨ કરોડ થશે. એપ્રિલ સુધીમાં ૪.૫ કરોડ ડોઝ ખરીદવામાં આવશે જેના પર ૧૧૦૦ કરોડનો ખર્ચ થશે. પ્રારંભે હેલ્થવર્કર અને વોરીયર્સને રસી અપાશે. તે પછી ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ડોઝ આપવામાં આવશે. છેલ્લે ૫૦થી ઓછી ઉંમરના લોકોને ડોઝ આપવામાં આવશે.

(3:40 pm IST)