Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

૧૦ ટકા અનામતના લીધે ન્યુ ઈન્ડિયામાં વધુ આત્મવિશ્વાસ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિક્રિયાઓ આપી : શિક્ષણ સંસ્થાઓમાં સીટોની સંખ્યામાં ૧૦ ટકાનો વધારો

નવી દિલ્હી, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય વર્ગને આપવામાં આવેલા ૧૦ ટકા અનામત પર પોતાની સરકારની આજે પ્રશંસા કરી હતી. સાથે સાથે કહ્યું હતું કે આનાથી ન્યુ ઈન્ડિયામાં આત્મવિશ્વાસ વધશે. ભાજપની રાષ્ટ્રીય કારોબારીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે વર્તમાન એસસી, એસટી અને ઓબીસી ક્વોટા પહેલાની જેમ મજબૂત રહેશે. વિપક્ષી દળો પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે તેઓ ભ્રમ ફેલાવીને સમાજમાં અસંતોષ ઉભા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએએ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે સામાન્ય વર્ગને અનામતની સામે વિપક્ષના કાવતરાનો પર્દાફાશ કરવા માટે કામ કરવું પડશે. વિપક્ષી દળો તરફથી આ ક્વોટાના પરિણામે એસસી અને એસટી અનામત પર પ્રતિકુળ અસર પડવાના આરોપોનો જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે બિનજરૂરી ભ્રમ ફેલાવાઈ રહ્યો છે. વર્તમાન ક્વોટા સાથે કોઈ ચેડા કરાયા નથી. સામાન્ય વર્ગના ગરીબોને નજરઅંદાજ કરી શકાય નહીં. શિક્ષણ સંસ્થાઓમાં સીટોની સંખ્યા પણ ૧૦ ટકા વધારવામાં આવશે. આ ક્વોટાના લીધે કોઈને અસર ન થાય તે માટે આ પગલાં લેવામાં આવશે.

(9:16 pm IST)