Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ભારતમાં ચા વેચનાર દંપત્તિઅે ૨૩ દેશની યાત્રા કરીઃ છેલ્લા પ૦ વર્ષથી ચા વેચવાનું કામ કરતા દંપતિઅે દરરોજ બચત કરી વિદેશ યાત્રાઓ કરી

કોચ્ચીઃ જો ચાની વાત કરીએ તો દેશના મોટા ભાગના લોકોની સવાર એક ચાની ચુસ્કી વગર નથી નીકળતી. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એક સમયે ચા વેચતા હતા. આ ઉપરાંત તેમને મુસાફરી કરવી પણ ઘણી પસંદ છે. તેઓ વિદેશની યાત્રા કરતા રહે છે. તો હવે તેમને ટક્કર આપવા એક કપલ સામે આવ્યું છે. આ દંપતિ છેલ્લા 50 વર્ષથી ચા વેચવાનું કામ કરી રહ્યું છે. આ સાથે તેમણે 23 દેશની યાત્રા પણ કરી છે. તે પણ માત્ર ચા વેચીને...

આનંદ મહિન્દ્રા લાવ્યા આ દંપતિની સ્ટોરી સામે

મહિન્દ્રા કંપનીના ચીફ આનંદ મહિન્દ્રાએ કેરલના કોચ્ચીમાં વસવાટ કરતા આ દંપતિની સ્ટોરીને ટ્વિટ કરી લોકોની સામે લાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમની નજરમાં આ દેશનું સૌથી પૈસાદાર દંપતિ છે. વિજયન અને તેમની પત્ની મોહના અત્યારસુધીમાં 23 દેશોની યાત્રા કરી ચુક્યા છે.

1963થી વેચી રહ્યાં છે ચા

ખાસ વાત તો એ છે કે વિજયન અને મોહનાની ઉંમર 70 વર્ષની આસપાસ છે. 1963માં તેમણે પોતાની ચાની એક નાની દુકાન શરૂ કરી હતી. જેની આવકથી તેમનો ઉદેશ્ય દુનિયાની યાત્રા કરવાનો છે.

ચાની આવકથી કરી 23 દેશ યાત્રા

દુકાનનું નામ છે ‘શ્રી બાલાજી કોફી હાઉસ’ આ દુકાનની આવકથી આ દંપતિએ 23 દેશોની યાત્રા કરી ચુક્યું છે. વિજયને એક ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે જુદી જુદી જગ્યાઓ પર મુસાફરી કરવી તેમનું બાળપણથી એક સપનું હતું. જેને તેઓ હવે હકીકતમાં બદલી રહ્યાં છે.

દરરોજ ભેગા કરે છે 300થી 500 રૂપિયા

આ દંપતિએ ચાની વેચી તેમાંથી થતી આવકમાંથી દરરોજ 300થી 500 રૂપિયા ભેગા કરવાનો નિર્ણય કર્યો છે. આ ભેગા કરેલા પૈસાથી જ 23 દેશોની યાત્રા કરી છે. આ ઉપરાંત બેંકમાંથી લોન પણ લીધી હતી.

આ દેશોમાં કરી મુસાફરી

વિજયન અને મોહનાએ સિંગાપુર, અર્જેટીના, બ્રાઝીલ, પેરૂ જેવા દશોની યાત્રા કરી છે. આ ઉપરાંત હજુ પણ તેઓ અન્ય દેશની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યાં છે. વર્ષ 2021 સુધીમાં આ દંપતિ પહેલા તેમનું દેવુ ભરશે અને પછી વધુ એક દેશની યાત્રા કરવા નિકળી પડશે.

 

(5:22 pm IST)