Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ બેન્કોને મેટલ અકાઉન્ટ ખોલવાનું કહેવાશે

મેટલ અકાઉન્ટમાં સોના સામે કેશને બદલે સોનું જ પરત કરાશેઃ મંદિરોનું આકર્ષણ વધી શકે

મુંબઇ તા.૧૨: ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં ચેરિટેબલ સંસ્થાઓ, કેન્દ્ર, રાજ્યો અને સરકારી સંસ્થાઓ ભાગ લઇ શકે એવી છુટ આપ્યા બાદ હવે આ સ્કીમને વધુ વેગ આપવા નવી દરખાસ્ત વિચારી રહી છે. આ નવી દરખાસ્ત મુજબ જયારે કસ્ટમર સોનું જમા કરાવવા આવે ત્યારે બેન્કો તેમના માટે મેટલ અકાઉન્ટ ખોલશે. વર્તમાનમાં બેન્ક ડિપોઝીટ અકાઉન્ટ ખોલે છે અને સ્કીમની પાકતી મુદત પર અકાઉન્ટધારકના ખાતામાં નાણાં જમાં કરાય છે. હવે પછી મેટલ અકાઉન્ટ ખુલવાની દરખાસ્ત મંજુર થઇ તો પાકતી મુદતે સોનું પરત કરાશે. મંદિરો જેવા ગ્રાહકો માટે આ સુવિધા સરળ અને આકર્ષક રહેશે, કારણ કે મંદિરો ઝવેરાતના સ્વરૂપે સોનું જમા કરાવતાં હોય છે.

જો બેન્કોને મેટલ અકાઉન્ટ ખોલવાની મંજૂરી મળશે તો મંદિરો તરફથી વધુ સોનું જમા કરાવાશે એવી આશા રાખી શકાય. સરકાર વ્યાજ પેમેન્ટ અને મેચ્યોરિટી પેમેન્ટની ગેરન્ટી આપશે. મેટલ અકાઉન્ટમાં કેશને બદલે ફિઝિકલ ગોલ્ડ અપાશે, જેને કારણે વિધિ થોડી મુશ્કેલ બને એમ થઇ શકે. આ ગોલ્ડ સ્કીમને વધુ પ્રસિદ્ધ બનાવવા ૧૫ બેન્કો સજ્જ છે, જયારે કે સરકારે એમાં ભાગ લેવા ૫૫ હોલમાર્કિંગ સેન્ટર્સ, ૧૫ રિફાઇનરીઝ અને ત્રણ લોજિસ્ટિકસ કંપનીઓને પણ મંજૂરી આપી છે.(૧.૧)

 

(10:02 am IST)