Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

રાજ ઠાકરેના દીકરાના લગ્નમાં મોદી-શાહને નોતરૂં નહીં

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ

મુંબઈ તા. ૧૨ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેના દીકરાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વીવીઆઇપી આમંત્રિતોની યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને નિમંત્રણ આપવામાં આવ્યું ન હોવાની માહિતી છે. રાજ ઠાકરેએ રાજકારણીઓ, બિઝનેસમેન સહિત સેલિબ્રિટીને લગ્નનું નિમંત્રણ આપ્યું છે. એટલું જ નહીં, 'માતોશ્રી'માં જઇને રાજ ઠાકરેએ જાતે પિતરાઇ ભાઇ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેને પણ આમંત્રણ આપ્યું હતું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના સર્વેસર્વા શરદ પવારને પણ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, સૂત્રની માહિતી અનુસાર રાજ ઠાકરેના સેક્રેટરીએ આપેલી નિમંત્રણની યાદીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીનું નામ નથી. દરમિયાન ભાજપ સરકારના નાણાં પ્રધાન અરુણ જેટલી, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી, વિદેશ ખાતાના પ્રધાન સુષમા સ્વરાજ, લોકસભાધ્યક્ષ સુમિત્રા મહાજન, મહિલા બાળકલ્યાણ પ્રધાન મેનકા ગાંધી, શિક્ષણ પ્રધાન પ્રકાશ જાવડેકર સહિત કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સહિત વિવિધ પક્ષના અનેક નોતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. માત્ર મોદી-શાહને તેમાંથી બાકાત રખાતા રાજકીય વર્તુળમાં આશ્ચર્ય વ્યકત થઇ રહ્યું છે. જોકે, લગ્નના આડે હજુ ૧૫ દિવસ બાકી હોવાથી હજુ આમંત્રણ પાઠવવામાં આવે તેની શકયતાને નકારી શકાય નહીં.(૨૧.૬)

(10:03 am IST)