Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

એમ નાગેશ્વર રાવે ચાર્જ સંભાળ્યો : વર્માના નિર્ણયોને તરત બદલી દીધા

એમ નાગેશ્વર રાવ ફરી ડિરેક્ટર પદ ઉપર સક્રિય થયા : છેલ્લા બે દિનમાં કરવામાં આવેલી બદલી-પોસ્ટિંગ રદ

નવીદિલ્હી, તા. ૧૧ : આલોક વર્માને દૂર કરવામાં આવ્યાના એક દિવસ બાદ નાગેશ્વર આજે ફરી એકવાર સીબીઆઈના ડિરેક્ટર પદે જવાબદારી સંભાળી લીધી હતી. હોદ્દો સંભાળતાની સાથે જ રાવે વર્મા દ્વારા છેલ્લા બે દિવસમાં કરવામાં આવેલા ટ્રાન્સફર અને પોસ્ટિંગ સહિત તમામ નિર્ણયો રદ કરી દીધા હતા અને ૮મી જાન્યુઆરીની સ્થિતિ ફરી ગોઠવી દીધી હતી. બીજી બાજુ સીબીઆઈ ચીફના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવેલા આલોક વર્માએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. ડિરેક્ટર પદેથી વર્માને રજા પર મોકલી દેવામાં આવ્યા બાદ નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર પદની જવાબદારી સોંપવામાં આવી હતી. સીબીઆઈ ચીફથી દૂર કરવામાં આવ્યા બાદ વર્માને ફાયર સર્વિસના ડીજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ ચાર્જ લેતા પહેલા વર્માએ રાજીનામુ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈના ડિરેક્ટર તરીકે વર્મા ફરી નિમાયા બાદ ૮મી જાન્યુઆરીના દિવસે તરત જ બદલીના આદેશો જારી કરવામાં આવ્યા હતા. વર્માએ પોતાની અનઉપસ્થિતિમાં તપાસ ઓફિસર પણ નિમી કાઢ્યા હતા. સાથે સાથે પોતાની ગેરહાજરીમાં કરવામાં આવેલી બદલીઓને રદ કરી હતી. ગુરુવારના દિવસે મોહિત ગુપ્તાને રાકેશ અસ્થાનાની સામે મામલામાં તપાસ કરવા જવાબદારી સોંપી હતી. ૧૧ અધિકારીઓની બદલીઓના આદેશ પણ જારી કર્યા હતા. હવે નાગેશ્વર રાવે તમામ નિર્ણયો રદ કરી દીધા છે. ગઇકાલે મોડી રાત્રે મળેલી બેઠકમાં ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમિતિએ આલોક વર્માને તેમના હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. આ પહેલા એવા અહેવાલ પણ આવ્યા હતા કે,આલોક વર્માએ નવી જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

 

(7:33 pm IST)