Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

પાક. સેનાના ફાયરિંગમાં ભારતીય સેનાના મેજર અને બીએસએફના કોન્સ્ટેબલને ઇજા

તારરકુંડી ક્ષેત્રમાં પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામભંગ કરી અવળચંડાઇ કરી

જમ્મુ, તા.૧૧:- પાકિસ્તાનની સેનાએ તારકુંડી ક્ષેત્રમાં ફરી યુદ્ધવિરામ ભંગ કરી ભારતીય સેના પર ફાયરિંગ કરતા સેનાના મેજર અને બીએસએફના કોન્સ્ટેબલને ઈજા થતા આ બંનેને જમ્મુની ૧૬૬ સેના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

આ અંગે સેનાના અધિકારીઓએ જણાવ્યુ છે કે પાકિસ્તાનની સેનાએ ગઈકાલ રાતથી આ વિસ્તારમાં શરૂ કરેલા ફાયરીંગના કારણે ભારતીય સેનાએ પણ વળતો પ્રહાર કર્યો હતો.જોકે આ અથડામણમાં ભારતીય સેનાના એક મેજર અને બીએસએફના કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. અધિકારીઓએ વધુમાં જણાવ્યુ હતુ કે પાકિસ્તાનની સેનાએ સતત ત્રીજાદિવસે પણ આ વિસ્તારમાં યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. આ પહેલા મંગળ અને બુધવારે પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલુ રહ્યુ હતુ.જોકે પાકિસ્તાનની આવી હરકતનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પંરતુ ગઈકાલે મોડી રાતે બાલાકોટે સેકટરના તારકુંડી ક્ષેત્રમાં પાકિસ્તાન તરફથી જે સતત ફાયરિંગ થયુ હતુ તેમાં આ બંનેને ઈજા થઈ હતી. બાદમાં આ બંનેને જમ્મુની ૧૬૬ સેના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવામળે છે.

પાકિસ્તાને ૨૦૦૩માં ભારત સાથે યુદ્ધ વિરામ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતિ બાદ પણ પાકિસ્તાન સતત તેનો ભંગ કરી રહ્યુ છે. જેમાં છેલ્લાં ૧૫ વર્ષમાં પાકિસ્તાને ૨૦૧૮માં સૌથી વધુ વખત યુદ્ધ વિરામભંગ કર્યો છે. એક માહિતી અનુસાર ૨૦૧૮માં પાકિસ્તાન તરફથી ૨૯૩૬ વખત યુધ્ધવિરામ ભંગ કરવામા આવ્યો છે. ભારતની વારંવારની ચેતવણી છતાં પાકિસ્તાન તેની અવળચંડાઈમાંથી બહાર આવતુ નથી. જોકે ભારતીય સેનાએ પણ તેને જડબાતોડ જવાબ આપી દીધો જ છે. હાલ આ વિસ્તારમાં ભારતીય સેનાએ પણ વળતા પ્રહારની તૈયારી કરી જ રાખી છે.

(3:31 pm IST)