Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

અમારા ન્યાયતંત્ર માટે કાળો દિવસ છે : ઉજ્જવલ નિકમ

માસ્ટર ઓફ રોસ્ટર તરીકે પાવરનો પ્રયોગ : ભૂષણ : આ પ્રકારના વિવાદથી દરેક સામાન્ય વ્યક્તિ શંકા સાથે તમામ ન્યાયિક ચુકાદાને જોઇ શકે છે : નિકમની પ્રતિક્રિયા

નવીદિલ્હી,તા. ૧૨ : સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. ચીફ જસ્ટિસની કાર્યશૈલી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા બાદ ન્યાયતંત્રના વરિષ્ઠ લોકોએ આ અંગે પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું છે કે, અમારા ન્યાયતંત્ર માટે આ કાળા દિવસ સમાન છે. સુપ્રીમ કોર્ટના જજને તેઓ કોઇ સલાહ આપવા ઇચ્છુક નથી. જો કે, કોઇપણ સમસ્યાને ઉકેલવાના પ્રયાસ ચોક્કસપણે થવા જોઇએ. લોકશાહી માટે આ ખુબ જ નિરાશાજનક બાબત છે. આજની પત્રકાર પરિષદ ખોટો દાખલો બેસાડશે. હવેથી દરેક સામાન્ય વ્યક્તિ ન્યાયતંત્રના આદેશને પણ શંકાની દ્રષ્ટિએ જોશે. દરેક ચુકાદા સામે પ્રશ્નો થઇ શકે છે. અન્ય વરિષ્ઠ એડવોકેટ દ્વારા પણ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના જજ પ્રત્યે તેઓ આભાર માને છે. સીજેઆઈ દિપક મિશ્રાએ ખુલ્લીરીતે માસ્ટર ઓફ રોસ્ટર તરીકે રહીને તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે. કેસોમાં ચોક્કસ પરિણામ હાંસલ કરવાના પ્રયાસો થયા છે. જો તેમનામાં જવાબદારી જેવી છે તો તેમને રાજીનામુ આપવું જોઇએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ એડવોકેટ કેટીએસ તુલસીએ પણ આને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ સલમાન ખુરશીદે કહ્યું છે કે, જજોએ આ વિવાદોને પોતાની રીતે ઉકેલવા જોઇએ. કપિલ સિબ્બલ અને ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના સભ્ય અને વકીલ હિતેશ જૈને કહ્યું છે કે, આ ખુબ જ દુખદ બાબત છે. પારદર્શકતાની ખાતરી થવી જોઇએ.

(7:55 pm IST)