Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સરકાર ધાર્મિક પ્રતીકવાળા સિક્કા બહાર પાડી શકે છે

આવો ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે એનાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઇ વિપરીત અસર નથી પડતી

નવી દિલ્હી, તા. ૧ર : ધાર્મિક ચિહ્નની છાપ ધરાવતા સિક્કાઓ ચલણમાંથી પાછા ખેંચવાની અરજીને ડિસમિસ કરતા દિલ્હી હાઇકોર્ટે ગઇકાલે કહ્યું હતું કે, 'આવા સિક્કાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઇ વિપરીત અસર નથી પડતી,. દિલ્હીના બે રહેવાસી નફીસ કાઝી અને અબુ સઇદે જનહિતની અરજી કરીને રિઝર્વ બેન્ક અને નાણામંત્રાલયને ર૦૧૦ અને ર૦૧૩માં બહાર પાડવામાં આવેલા અનુક્રમે બૃહદિશ્વર મંદિર અને માતા વૈષ્ણોદેવીની છાપ ધરાવતા સિક્કાઓ પાછા ખેંચી લેવાનો આદેશ આપવાની કોર્ટને વિનંતી કરી હતી.'

આ અરજીને ડિસમિસ કરતા હાઇકોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, 'આવા સિક્કા બહાર પાડવાથી દેશના સેકયુલર ઢાંચા પર કોઇ વિપરીત અસર પડતી નથી તેમ જ કોઇ એક પ્રસંગને યાદગાર બનાવવા આવા સિક્કાઓ બહાર પાડવા પર સેકયુલરિઝમમાં કોઇ પ્રતિબંધ નથી. આ પ્રકારના કોઇન્સ બહાર પાડવાથી ધાર્મિક પ્રથાઓ પર વિપરીત અસર પડે છે એવી દલીલને સાચી ઠરાવવા પૂરતા પૂરાવાઓ રજૂ કરવામાં અરજદારો નિષ્ફળ રહ્યા છે. કોઇનેજ એકટ, ર૦૧૧ હેઠળ કોઇ પ્રસંગને યાદગાર બનાવવા કોઇન્સ બહાર પાડવાનો નિર્ણય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. આમાં સરકાર કોઇ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત નથી કરી રહી. કાલે કદાચ કોઇ બીજા ધર્મના લોકો તેમના પ્રસંગને યાદગાર બનાવવા કોઇન બહાર પાડી શકે છે કે નોટ છપાવી શકે છે. સેકયુલરિઝમનો અર્થ છે તમામ ધર્મને સમાન આદર આપવો અને કોઇ પણ એક ધર્મ માટે પક્ષપાત ન રાખવો.' (૮.૮)

(11:36 am IST)