Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

તપાસ પંચના મુખ્ય તારણો

અમદાવાદ, તા.૧૧ : ગુજરાતમાં ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ ચાંપી ૫૮ નિર્દોષ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાની જઘન્ય ઘટના અને ત્યારબાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણોની તપાસ કરનારા નાણાવટી-મહેતા તપાસપંચનો પોતાનો ફાઈનલ રિપોર્ટ આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ નાણાવટી અને મહેતા પંચના તારણોથી અનેક ખુલાસા થયા છે. અનેક બાબતો પરથી પડદો ઉઠ્યો છે. તારણો નીચે મુજબ છે.

*          ગોધરાકાંડ પૂર્વ આયોજિત કાવતરું, જ્યારે ત્યારપછીના રમખાણો પૂર્વઆયોજિત કાવતરું નહોતા

*          તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત તેમની કેબિનેટના ત્રણ મંત્રીઓ સ્વ. હરેન પંડ્યા, ભરત બારોટ, સ્વ. અશોક ભટ્ટને ક્લિનચીટ

*          મોદી ગોધરા એસ-૬ ડબ્બાની મુલાકાતે ગયા તે પાછળનો ઈરાદો પુરાવાનો નાશ કરવાનો નહીં, શું થયું તે જાણવાનો હતો

*          ગોધરાકાંડની તપાસ દરમિયાન ત્રણ આઇપીએસ અધિકારીઓ આરબી શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મક રહી

*          સીએમ નિવાસ સ્થાને વહીવટી તંત્રને કુણું વલણ અપનાવવાની કોઈ સૂચના અપાઈ ન હતી

*          અધિકારીઓની બદલી નિયમાનુસાર કરાઈ હતી, તેમનો તોફાનોમાં કોઈ રોલ નથી

*          તોફાનો ડામવા રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવ્યા હતા

*          રાજ્યની શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે મીડિયાએ ધ્યાન રાખવું જોઈએ

*          જન સંઘર્ષ મંચ અને તિસ્તા શેતલવાડના એનજીઓની ભૂમિકા શંકસ્પદ છે

*          ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ.અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો અંગે રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસ અને સરકારે સ્વ. અહેસાન જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઈપણ પગલું પૂર્વગ્રહ ભરેલું નહોતું.

*          નરોડા પાટીયા વિસ્તારના બનાવોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ૫૦૦૦થી ૭૦૦૦ માણસોના ટોળાને ઉશ્કેરીને મુસ્લિમો પર ઉપર હુમલો કરાવ્યો છે તેવી ફરિયાદ હતી. જે બાબતે ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવી ગયો છે અને ટ્રાયલ કોર્ટ તેમજ હાઈકોર્ટ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આ બનાવ સંદર્ભે આરોપીઓ સામે કોઈપણ પ્રકારનું તારણ કરવાનું કમિશને ઉચિત ન હોવાનું જણાવ્યું છે. નરોડા ગામનો બનાવ ન્યાયિક-અદાલતની ચકાસણી હેઠળ હોવાથી આગેવાનોની સંડોવણી માટે કમિશનને અભિપ્રાય આપવો યોગ્ય જણાયું નથી.

*          એનજીઓ અને કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગોધરા બનાવ અંગે મહદ અંશે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના કેટલાક મંત્રીઓ જવાબદાર છે. તે પૈકીના કેટલાક આક્ષેપોમાં એક આક્ષેપ હતો કે, તત્કાલીન મુખ્યમંત્રી ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ કોઈપણ અધિકારીને જાણ કર્યા સિવાય ગાંધીનગર છોડીને રહસ્યમય રીતે ગોધરા ગયા હતા. જો કે કમિશને આ સંજોગોની ચકાસણી કરતા આક્ષેપો પાયા વગરના જણાયા છે. મુખ્યમંત્રીએ તેમના પ્રવાસની જાણ બધા સિનિયર અધિકારીને કરવાની હોતી નથી. પરંતુ ઉપરોક્ત કિસ્સામાં પ્રવાસની વ્યવસ્થા કરનાર અધિકારીઓને જાણ હતી. મુખ્યમંત્રીની ગોધરા જવાની બાબત ખાનગી નહોતી.

*          તત્કાલીન મુખ્યમંત્રીએ ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલ રેલવે કોચ નં.જી-૬માં અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યાનો આક્ષેપ હતો. જેમાં કમીશનનું તારણ છે કે, મુખ્યમંત્રીના પ્રવેશનો હેતુ જુદો હતો નહીં કે પુરાવાનો નાશ કરવાનો.

*          આર.બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી વિરૂદ્ધ એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો. પરંતુ કમિશન સમક્ષ ભટ્ટ પોતાની હાજરી મુખ્યમંત્રીના નિવાસસ્થાને પુરવાર કરી શક્યા નથી. ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યમંત્રી તેમજ સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા છે. એટલું જ નહીં તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨નો જે ફેક્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યો છે તે પણ બનાવટી હોવાનું કમીશનના તારણમાં સ્પષ્ટ થયું છે. આમ, શ્રીકુમાર, સંજીવ ભટ્ટ અને રાહુલ શર્માની ભૂમિકા શંકાસ્પદ રહી છે.

(8:27 pm IST)