Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નાગરિકતાં બિલ મુદ્દે આસામમાં ઉગ્ર પ્રદર્શન :અનેક સ્થળોએ આગચાંપી : 5000 સૈનિકો મોકલાયા: ઈન્ટરનેટ સેવા ઠપ્પ

સચિવાલય નજીક પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

ગૌહાતી : નાગરિકતા સંશોધન બિલ વિરુદ્ધ બુધવારે હજારો લોકો આસામની સડકો પર ઉતરી આવ્યા.રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણથી રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે જો કે, કોઈપણ પક્ષ કે વિદ્યાર્થી સંગઠને બંધ, પ્રદર્શન માટે હાકલ કરી નથી. 

  સચિવાલય નજીક પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઇ હતી. ગુવાહાટી એરપોર્ટની બહાર ગુસ્સે ચાલી રહેલા ઉગ્ર પ્રદર્શનને કારણે મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ લાંબા સમય સુધી ત્યાં અટવાયેલા રહ્યા હતા.

   દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિકત્વ બિલને લઈને વિરોધ પ્રદર્શિત થતાં શાંતિનું વાતાવરણ સુનિશ્ચિત કરવા અર્ધલશ્કરી દળના પાંચ હજાર જવાનોને ઉત્તર-પૂર્વ મોકલવામાં આવી રહ્યા છે.

   વિરોધને ધ્યાનમાં રાખીને આસામના 10 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા સાંજે સાત વાગ્યાથી આગામી 24 કલાક સુધી બંધ કરવામાં આવશે. લખિમપુર, ધેમાજી, તિનસુકિયા, દિબ્રુગઢ, શિવસાગર, જોરહાટ, કામરુપ અને ગોલાઘાટ જિલ્લામાં 24 કલાક માટે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(7:59 pm IST)