Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જમ્મુ કાશ્મીર, હિમાચલમાં ભારે હિમવર્ષા : ઠંડીનું મોજુ

નવેસરથી હિમવર્ષાથી લોકોની હાલત કફોડી બની : દ્રાસ ખાતે લઘુત્તમ તાપમાન માઇનસ ૧૫.૩ ડિગ્રી નોંધાયું

જમ્મુ, તા. ૧૧ : સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયું છે. જમ્મુ કાશ્મીર અને લડાખમાં ઉંચાણવાળા ક્ષેત્રોમાં ભારે હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ ગુરુવાર અને શુક્રવારના દિવસે માટે ઓરેન્જ ચેતવણી જારી કરવામાં આવી છે. ભારે હિમવર્ષા અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.  ઉત્તર કાશ્મીરના સ્કી રિસોર્ટ ગુલમર્ગ, દક્ષિણમાં પહેલગામ અને મધ્ય કાશ્મીરના સોનમર્ગ અને અન્ય ઉંચાણવાળા ક્ષેત્રોમાં હિમવર્ષા થઇ છે. કાશ્મીરમાં આવનાર લોકો હવે આનંદ અનુભવ કરી રહ્યા છે. ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. જો કે, છેલ્લા ચાર દિવસથી ધુમ્મસના પરિણામ સ્વરુપે શ્રીનગર વિમાની મથક પર તમામ ઉંડાણો રદ કરી દેવામાં આવી છે. મેદાની ક્ષેત્રોમાં  વાદળછાયુ વાતાવરણ રહ્યું છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષાની શક્યતા દેખાઈ રહી છે. કાશ્મીર, જમ્મુ અને લડાખના ઉંચાણવાળા વિસ્તારમાં હિમવર્ષા થઇ રહી છે.

               લડાખના દ્રાસમાં પણ લઘુત્તમ તાપમાનમાં સુધારો થયો છે. અહીં તાપમાન માઇનસ ૧૫.૩ ડિગ્રી છે. મંગળવારના દિવસે લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. લેહમાં રાત્રિ તાપમાનમાં સુધારો થયો છે. અહીં પારો શૂન્યથી માઇનસ ૧૧.૫ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયું છે. આવનાર દિવસોમાં ઠંડીમાં તીવ્ર વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીર ઉપરાંત હિમાચલ, ઉત્તરાખંડ અને અન્ય ભાગોમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં ધુમ્મસની સાથે સાથે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે જેના લીધે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધરખમ ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. રાજસ્થાનમાં વિવિધ વિસ્તારોમાં પારો નીચે ગયો છે.

(7:47 pm IST)