Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

રાજ્યસભામાં કોણે શું કહ્યું

છ કલાક સુધી જોરદાર ડિબેટનો દોર ચાલ્યો

નવીદિલ્હી, તા. ૧૧ : નાગરિક સુધારા બિલ ઉપર આજે રાજ્યસભામાં જોરદાર સંગ્રામની સ્થિતિ રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ નાગરિક સુધારા બિલના સંદર્ભમાં પોતપોતાના અભિપ્રાય આપ્યા હતા અને એકબીજાની વાત પણ મુકી હતી. રાજ્યસભામાં સંગ્રામ દરમિયાન કોણે શું કહ્યું તે નીચે મુજબ છે.

કપિલ સિબ્બલ (કોંગ્રેસ)

 રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે અમિત શાહ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, અમિત શાહે લોકસભામાં બિલ પર ચર્ચા કરતી વેળા કોંગ્રેસ પર દેશ વિભાજનના આક્ષેપ મુક્યા હતા જે સંપૂર્ણપણે  ખોટા છે. સિબ્બલે કહ્યું હતું કે, તેમની માંગ છે કે, અમિત શાહે આ આક્ષેપોને પરત લેવા જોઇએ. સિબ્બલે કહ્યું હતું કે, દ્વિરાષ્ટ્ર માટે અમારો સિદ્ધાંત નથી. તેઓ ગૃહમંત્રીને અપીલ કરે છે કે પોતાના આક્ષેપોને પરત લઇ લેવામાં આવે. સિબ્બલે કહ્યું હતું કે, બિલ દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને બંધારણી મંજુરી આપી છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે, તેમને આ વાત સમજાતી નથી કે, અમિત શાહે કયા પ્રકારના ઇતિહાસના પુસ્તકો વાંચ્યા છે. આક્ષેપો પરત લેવા માટે કપિલ સિબ્બલે ઉગ્ર રજૂઆત કરી હતી.

સંજયસિંહ (એએપી)

એએપીના નેતા સંજયસિંહે કહ્યું હતું કે, તેઓ બિલનો વિરોધ કરે છે. કારણ કે આ બિલ બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા બંધારણની વિરુદ્ધમાં છે. બંધારણની ગરિમાને આના લીધે નુકસાન થાય છે. મહાત્મા ગાંધી અને ભગતસિંહના સપનાના ભારતની વિરુદ્ધમાં આ બિલ રહેલું છે.

વઇકો (એમડીએમકે)

એમડીએમકેના નેતા વઇકોએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, જો આ બિલ પસાર કરવામાં આવશે તો ઉપલા ગૃહના ઇતિહાસમાં કાળા પ્રકરણ તરીકે રહેશે. આ બિલ ખુબ જ બિનલોકશાહી, અન્યાયપૂર્ણ અને ગેરબંધારણીય છે.

અમિત શાહ (ભાજપ, કેન્દ્રીયમંત્રી)

અમિત શાહે ચર્ચા માટે બિલને રજૂ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાન અને આજના દિવસના બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતિઓની વસ્તીમાં આશરે ૨૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. અહીં રહેતા લોકોને મારી નાંખવામાં આવ્યા છે અથવા તો આ લોકો ભાગીને ભારતમાં શરણ લેવા માટે પહોંચ્યા છે. આ દેશમાં રહેતા મુસ્લિમોને આને લઇને ચિંતા કરવાની કોઇ જરૂર નથી. આ લોકો ભારતના નાગરિક છે અને હંમેશ માટે ભારતના નાગરિક તરીકે રહેશે. તેમને બિલને લઇને ભયભીત થવાની કોઇ જરૂર નથી. મુસ્લિમોના વિરુદ્ધમાં આ બિલ બિલકુલ નથી

પી ચિદમ્બરમ (કોંગ્રેસ)

 કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે, સરકાર દ્વારા અયોગ્ય કાયદા દ્વારા નાગરિક સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગેરબંધારણીય કાયદાઓને રજૂ કરીને બંધારણના નિર્માતાઓ ન્યાયતંત્ર ઉપર તેમની જવાબદારી નાંખી રહ્યા છે. બંધારણ અંદર ધ્વંસ થઇ જશે અને ભાંગી પડશે

આનંદ શર્મા (કોંગ્રેસ)

કોંગ્રેસના આનંદ શર્માએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, ભાજપ સરકાર આ બિલને પસાર કરવા ખુબ ઉતાવળ તરી રહી છે. આને સંસદીય સમિતિ પાસે મોકલવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, બિલ પાસ કરવામાં આવશે તો વધુ સમસ્યા સર્જાશે. આનંદ શર્માએ કહ્યું હતું કે, અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. વિરોધ કરવા માટેનું કારણ કોઇ રાજકીય નથી બલ્કે નૈતિક અને બંધારણીય છે. ભારતીય બંધારણ ઉપર આ બિલ પ્રહાર કરે છે. લોકશાહી પર પણ પ્રહાર કરે છે.

જગતપ્રકાશ નડ્ડા (ભાજપ)

૨૦૦૩માં રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તત્કાલીન નાયબ વડાપ્રધાન અડવાણીના સંદર્ભમાં એક ટિપ્પણી કરી હતી. શરણાર્થી તરીકેની વાત કરી હતી. નાગરિકતાના મુદ્દા પર રજૂઆત કરવામાં આવી હતી. તે વખતે કહેવામાં આવ્યું હતું કે, તેમને નાગરિકતા આપવાના મામલામાં વધારે ઉદાર વલણ અપનાવવું જોઇએ જેથી અમે મનમોહનસિંહે એ વખતે શું કહ્યું હતું તે જ દિશામાં આગળ વધી રહ્યા છે.

ડેરેક ઓ બ્રાયન (ટીએમસી)

ટીએમસીના ડેરેક બ્રાયને ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સિટિઝનશીપ બિલ સામે લોકોની ચળવળ જારી રહેશે. અમે લોકશાહીથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે. નાગરિક સુધારા બિલમાં જે જોગવાઈ છે તે નાજી કોપીબુકમાંથી લેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, એનઆરસી એક રાજ્યમાં નિષ્ફળ છે જ્યારે ૨૭ રાજ્યોમાં તેને કઇરીતે અમલી કરી શકાશે તે બાબત સમજાઈ રહી નથી. આ લડાઈ બહુમતિ વિરુદ્ધ લઘુમતિની બની ગઇ છે.

ભુપેન્દ્ર યાદવ (ભાજપ)

ભૂપેન્દ્ર યાદવે ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, પડોશી દેશોમાં ધાર્મિક લઘુમતિઓની શું દશા છે તેને લઇને દરેક લોકો વાકેફ છે પરંતુ કોંગ્રેસ પાર્ટીને લોકોની દુર્દશા સાથે કોઇ લેવા દેવા નથી. કોંગ્રેસ પાર્ટીનું કામ માત્ર વિરોધ કરવાનું રહ્યું છે. લઘુમતિ લોકોની સુરક્ષાને લઇને કોઇપણ પ્રકારની તેમની પાસે યોજના નથી. આજ કારણસર બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે.

કેકે રાગેશ (સીપીએમ)

નાગરિક સુધારા બિલનો વિરોધ કરતા સીપીએમના કેકે રાગેશે કહ્યું હતું કે, લંકન તમિળો અને અન્યો જે દેશ છોડીને જતા રહ્યા છે તે અંગે સરકાર કયા પગલા લઈ રહી છે. હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે સરકાર વાસ્તવિક એજન્ડાને છુપાવવાના પ્રયાસ કરી રહી છે

(7:41 pm IST)
  • નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે કોર્ટમાં બંને સાધિકાઓ જામીન અરજી પર સુનાવણી પૂર્ણઃ સાધિકાની જામીન અરજી પર ૧૩ ડિસે. ગ્રામ્ય સેશન્સ કોર્ટ શુક્રવારે ૩ વાગે ચુકાદો આપશે access_time 2:03 pm IST

  • માનવ ભક્ષી દીપડાને ઠાર કરાયો : બગસરા નજીક ગૌશાળામાં શાર્પ શુટરોએ દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલ : છેલ્લા પાંચ દિવસના ઓપરેશન બાદ વન વિભાગને મળી સફળતા : access_time 7:55 pm IST

  • લાંચ પ્રકરણમાં સંડોવણી બાદ સુરત કોંગ્રેસની આકરી કાર્યવાહી : મહિલા કોર્પોરેટર કપિલા પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા : લાંચ પ્રકરણ અંગે શહેર કોગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ : પ્રદેશકક્ષાએથી મળેલ નિર્દેશ મુજબ શહેર પ્રમુખે કપિલા પટેલને કર્યા સસ્પેન્ડ access_time 10:57 pm IST