Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

બે ડુંગળી ચોર પકડાયા

મુંબઇની ઘટના ૨૦,૦૦૦ની ડુંગળી ચોરી

મુંબઈ, તા.૧૧: અગાઉ સોનું, રોકડ, મોંઘી ચીજવસ્તુઓ કે રોકડની ચોરી થતી હતી અને ફરિયાદ થતી હતી જો કે હવે ડુંગળીના ભાવ આસમાને આંબી ગયા હોવાથી ડુંગળીની ચોરીની ફરિયાદો પણ થવા લાગી છે. મુંબઈમાં એક ઘટનામાં ડુંગળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ડુંગળી ચોરનાર બે શખ્સોની ધરપકડ પણ કરી છે.

૫મી ડિસેમ્બરના મુંબઈમાં ડોંગરી વિસ્તારમાં ડુંગળીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા બે શખ્સો બે દુકાનમાંથી ડુંગળીની ચોરી કરી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. ફૂટેજના આધારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી. બન્ને શખ્સોએ રૂ.૨૧,૧૬૦ની કિંમતની ડુંગળીની ચોરી કરી હતી.

દક્ષિણ મુંબઈના ડોંગરી  માર્કેટમાં અકબર શેખની શાકભાજીના દુકાન છે. તેમની દુકાનમાંથી પાંચમી ડિસેમ્બરે બે શખ્સો ડુંગળી ચોરી ગયા હતા. આ ચોરીની દ્યટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ડુંગળીના ૨૨ કટ્ટા ચોરાયા હતા જેનું વજન અંદાજે ૧૧૨ કિલો થતું હતું. આ ઉપરાંત અન્ય એક વેપારીએ પણ ૫૬ કિલો ડુંગળી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કર્યા બાદ સીસીટીવીના આધારે મોહમ્મદ શેખ (ઉ. ૩૩) અને અબ્દુલ લતિફ શેખ (ઉ.૨૨) એમ બે ડુંગળીચોરને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સો નજીકમાં આવેલી ચિકનની દુકાનમાં કામ કરે છે.

(3:31 pm IST)