Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ઇરડાનો પરિપત્ર

વીમાધારક હવે ટીપીએ પસંદ કરી શકશે

નવી દિલ્હી તા. ૧૧: વીમા નિયામક ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા) એ વીમાધારકોને એક મોટી સુવિધા આપી છે. વીમાધારકો હવે ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરાવતી વખતે પોતાની પસંદગીના થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (ટીપીએ) પસંદ કરી શકશે. ઇરડા દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા એક પરિપત્ર અનુસાર સ્વાસ્થ્ય સેવાઓથી લઇને વીમાધારક પોતાની પસંદગીના ટીપીએ પસંદ કરી શકશે. વીમા કંપનીને જે ટીપીએ સાથે સર્વિસ લેવલ એગ્રીમેન્ટ હોય તેમાંથી પસંદગી કરી શકશે.

આ પરિપત્ર અનુસાર હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડકટ અને પોલિસીધારકની ભૌગોલિક સ્થિતિના આધારે વીમા કંપની ટીપીએની સંખ્યાને મર્યાદિત કરી શકે છે અને પોલિસીધારકને તેમાંથી પોતાની પસંદગીના કોઇ ટીપીએ પસંદ કરવાના રહેશે. વીમા પોલિસી ખરીદતી વખતે અથવા તેના રિન્યુઅલ વખતે વીમા કંપનીઓ ગ્રાહકને ટીપીએની એક યાદી આપશે, જેમાંથી વીમાધારકે પોતાની પસંદગીના ટીપીએ પસંદ કરવાના રહેશે.

ટીપીએ એક મધ્યસ્થ તરીકે ભૂમિકા ભજવે છે, જેને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની નિયુકત કરે છે. ટીપીએ હેલ્થ ઇન્સ્યોરન્સના કલેઇમના સેટલમેન્ટમાં મદદ કરે છે. ટીપીએ હોસ્પિટલોના વિવિધ પ્રકારનાં બિલ અને ડોકયુમેન્ટ્સને પ્રોસોસ કરવામાં વીમાધારકની મદદ કરે છે, જોકે તે કલેઇમ્સના રિજેકશન કે એકસેપ્ટન્સ માટે જવાબદાર નથી હોતા.

આ પરિપત્રમાં જણાવાયું છે કે જો વીમા કંપની વચ્ચે કોઇ ટીપીએની સેવા સમાપ્ત કરશે તો તે તે પોતાની પાસે મોજુદ તમામ ટીપીએની યાદી વીમાધારકને ઉપલબ્ધ કરાવશે. જેમાંથી તે તેની પસંદગી કરશે. જો વીમાધારક પોતાની પસંદગીના ટીપીએ પસંદ નહીં કરે તો વીમા કંપની પોતાની રીતે ટીપીએ પસંદ કરવાની મંજુરી આપી શકશે.

(4:03 pm IST)