Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

નાગરિકતા બિલ પર કેટલાક વિપક્ષી દળો પાકની ભાષા બોલે છે

સંસદીયદળની બેઠકમાં પીએમ મોદીનો વિપક્ષ પર જોરદાર કટાક્ષ : બિલથી લાખો લોકોની જિંદગીમાં આવશે બદલાવઃ ઐતિહાસિક બિલ ગણાવતા વડાપ્રધાન

નવી દિલ્હી,તા.૧૧: નાગરિકતા સંશોધન બિલને લઇ આજે ભાજપ સંસદીય દળની બેઠક મળી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને બિલને દેશહિતમાં ગણાવ્યું અને નિર્દેશ આપ્યો કે નાગરિકતા બિલને લઇ સાંસદ પોતાના સ્તર પર જાગૃતતા ફેલાવે. બિલ લોકસભામાંથી પાસ થઇ ચૂકયું છે અને રાજયસભામાંથી પણ તેની પાસ થવાની આશા વ્યકત કરાય રહી છે.

નાગરિકતા સંશોધન બિલ પર રાજયસભામાં ધમાસાણ અગાઉ ભાજપની સંસદીય દળની બેઠક મળી. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષી સાંસદો પર હલ્લાબોલ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છેકે નાગરિકતા સંશોધન બિલ પર કેટલાક નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ બિલથી લાખો-કરોડો શરણાર્થીઓની જીંદગીમાં ફેરફાર થશે.

સંસદીય કાર્યમંત્રીએ બેઠક બાદ જણાવ્યું કે પીએમ મોદીએ આ બિલને ઐતિહાસિક ગણાવ્યું. આ અગાઉ નાગરિકતા સંશોધન બિલને રાજયસભામાં પાસ કરવાની રણનીતિને લઇને ભાજપની સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.

સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ સાંસદોને નાગરિકતા બિલને લઇ નિર્દેશ આપ્યો. મીટિંગમાં વડાપ્રધાને વિપક્ષ પર નિશાન સાંધતા કહ્યું કે બિલ પર કેટલાંક વિપક્ષી દળ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. ભાજપ સાંસદોને વડાપ્રધાન મોદીએ નિર્દેશ આપ્યો છે તેઓ જનતા સુધી એ સંદેશો પહોંચાડે કે બિલ સંપૂર્ણપણે દેશહિતમાં છે. આથી પાડોશી મૂલ્કના પીડિત અલ્પસંખ્યકોને ન્યાય મલશે. આ એક ઐતિહાસિક કાયદો સાબિત થશે.

(3:24 pm IST)