Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

કાલે - શુક્રવારે ઝાકળવર્ષા : સોમવારથી ફરી ઠંડીનો અહેસાસ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારત - રાજસ્થાન - એમ.પી.માં વરસાદ પડશે : કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય છાંટાછુટી, જો કે વિસ્તાર ઓછો રહેશે : તા.૧૬ થી ૧૯ લઘુતમ તાપમાન નોર્મલથી ૨ થી ૩ ડિગ્રી નીચુ જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૧ : હાલમાં વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીની વધુ અસર જોવા મળે છે જયારે દિવસ દરમિયાન ઠંડીની અસર જોવા મળતી નથી. દરમિયાન આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે વ્હેલી સવારે ઝાકળવર્ષાનો અનુભવ થશે. જયારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારત, રાજસ્થાન અને એમ.પી.માં વરસાદ પડશે. જે પૈકી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય છાંટાછુટી જોવા મળશે. જો કે તેનો વિસ્તાર ઓછો રહેશે. તા.૧૬ થી ૧૯ ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાનમાં નોર્મલથી ૨ થી ૩ ડિગ્રી નીચુ જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે આવતીકાલે અને શુક્રવારે પશ્ચિમી પવન ફૂંકાવાના લીધે વ્હેલી સવારે ઝાકળની શકયતા છે. જેથી લઘુતમ તાપમાન નોર્મલ આસપાસ રહેશે. જયારે તા. ૧૬ થી ૧૯ (સોમ થી ગુરૂ) ફરી ઠંડીનો અહેસાસ થશે. જે તાપમાન છે તેના કરતા લઘુતમ તાપમાન ફરી નીચુ આવી જશે. રાજકોટ શહેરમાં હાલમાં લઘુતમ નોર્મલ તાપમાન ૧૫ ડિગ્રી ગણાય.

એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં વરસાદ પડશે. જે પૈકી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ થશે. જેથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તા.૧૨ અને ૧૩ના સામાન્ય છાંટાછુટી છુટાછવાયા ઝાપટાની શકયતા છે. જો કે તેનો વિસ્તાર ઓછો રહેશે.

(3:09 pm IST)