Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગોધરાકાંડમાં મોદીને કલીનચીટઃ તોફાનો પૂર્વયોજિત નહિ

નાણાવટી પંચનો અહેવાલ વિધાનસભામાં : હરેન પંડયા, અશોક ભટ્ટ અને ભરત બારોટ પણ દોષ મુકત : પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને રાહુલ શર્માની ભૂમિકા નકારાત્મકઃ ગુજરાતને બદનામ કરવા રાજકીય પ્રયાસ થયેલ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૧ : સમગ્ર દેશમાં ચકચાર જગાવનાર ગુજરાતના ગોધરાકાંડમાંં તપાસનીશ નાણાવટી પંચનો અહેવાલ આજે વિધાનસભામાં રજુ કરવામાં આવ્યો છે. જેમાં નરેન્દ્રભાઇ મોદી અને તેમના તે વખતના સાથીઓને દોષમુકત માનવામાં આવ્યા  છે ટ્રેનનો ડબ્બો સળગાવાની ઘટના પછી થયેલ તોફાનો પૂર્વયોજિત નહિ હોવાનું પંચનું તારણ છે.

ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ સાબરમતી એક્ષપ્રેસ ટ્રેઇનના કોચ નં. S-૬માં આગ લગાડવાની હિચકારી દ્યટના બનેલ. જેમાં ૫૮ કારસેવકોના મૃત્યુ થયેલા અને ૪૦થી વધારે લોકોને ગંભીર ઇજા થઇ હતી અને ત્યારબાદ રાજય ભરમાં જે તોફાનો ફાટી નીકળ્યા હતા તે કોઇ પૂર્વ આયોજિત કાવતરૂ નહોતું.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે આ કમિશનને ૪૪,૪૪૫ સોગંદનામા મળ્યા હતા. જે પૈકીના ૧૮,૦૦૦ સોગંદનામા રાહત અને પુનર્વસનના દાવા માટેના હતા. ૪૮૮ સોગંદનામા સરકારી અધિકારીઓ, કર્મચારી અને પોલીસ ખાતા તરફથી રજૂ કરવામાં આવેલ હતા અને કમિશને સંબંધિતોના નિવેદનો લઇ જરૂર જણાય ત્યાં ઊલટ તપાસ કરવામાં આવેલ હતી અને ૯ ભાગમાં ૨૫૦૦ થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવેલ છે. 

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું હતું કે નાણાવટી કમિશન (પાર્ટ-૧)માં ગોધરા ખાતે ટ્રેનના ડબ્બા સળગાવવા બાબતની દ્યટના પૂર્વઆયોજિત હતી કે કેમ તે અંગે તલસ્પર્શી તપાસ કરીને કમિશને તેનો રીપોર્ટ  વર્ષ ૨૦૦૮માં રજૂ કરેલ હતો. જેમાં કમિશનના રીપોર્ટમાં આ દ્યટના પૂર્વઆયોજિત હોવાનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિપક્ષ તેમજ કેટલીક એન.જી.ઓ. દ્વારા રાજય સરકારની છબી ખરડાય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવેલ હતા. ગોધરા કાંડ બાદના તોફાનોના બનાવો રાજય સરકાર પ્રેરિત કે પૂર્વઅયોજિત હતા તે પ્રકારના મલીન આક્ષેપો સંદર્ભે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દ્યટનાની તલસ્પર્શી તપાસ માટે કમિશનની રચના કરવાનો સામેથી નિર્ણય કર્યો હતો.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, આ દ્યટના ઉપર રાજકીય રોટલાં શેકવા અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાજય સરકારે દ્યટનાની સંવેદનશીલતા જાણીને ત્વરિત તલસ્પર્શી તપાસ થાય તે અર્થે રચેલા જસ્ટીસ જી.ટી. નાણાવટી અને જસ્ટીસ અક્ષય એચ. મહેતાના આ તપાસપંચે આ સમગ્ર બનાવને ષડયંત્ર ન ગણાવીને કલીનચીટ આપી છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે, તપાસપંચ દ્વારા અપાયેલ નિષ્કર્ષ/તારણોમાં  ગોધરાકાંડ બાદના તોફાનોમાં કોઇ રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓની કોઇ સંડોવણી જોવા મળી નથી. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની કોઇ સંડોવણી જણાતી નથી. તપાસ પંચે નિષ્કર્ષ પર આવતા પહેલા વડાપ્રધાન બન્યા બાદ શ્રી નરેન્દ્રભાઇનું પણ નિવેદન લીધુ છે. તપાસપંચના તારણોમાં ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા નકારાત્મક જણાઇ છે. જેમાં તત્કાલિન આઇ.પી.એસ. અધિકારી શ્રી આર.બી. શ્રીકુમાર, રાહુલ શર્મા અને શ્રી સંજીવ ભટ્ટનો સમાવેશ થાય છે.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે, અમદાવાદ શહેરમાં થયેલ તોફાનો સંદર્ભે પણ તપાસપંચ દ્વારા પૂર્વ ગૃહ મંત્રી સ્વ. શ્રી હરેનભાઇ પંડયા અને પૂર્વ મંત્રીશ્રી ભરતભાઇ બારોટને તપાસ પંચ દ્વારા કલીનચીટ આપવામાં આવી છે. તે જ રીતે ગુલબર્ગ કાંડમાં પણ કોંગ્રેસના પૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરી કેસમાં થયેલા આક્ષેપો સંદર્ભે તપાસપંચ દ્વારા અપાયેલ અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ગુજરાત પોલીસે અને સરકારે સ્વ. જાફરી તેમજ સોસાયટીના રહીશોને સુરક્ષા પુરી પાડી હતી અને સરકારનું કોઇપણ પગલુ પૂર્વગ્રહ ભર્યુ ન હતું.

મંત્રીશ્રી જાડેજાએ  ઉમેર્યુ કે કમિશન દ્વારા સમગ્ર દ્યટનાની તપાસમાં મુખ્ય બે મુદ્દા હતા. જેમાં ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યારબાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય સભ્યો, પોલીસ અધિકારીઓ, અન્ય વ્યકિત અને અન્ય સંસ્થાઓએ ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંક તેમજ ગોધરા ખાતે ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવ અને ત્યાર બાદના બનાવોમાં મુખ્યમંત્રીશ્રી અથવા મંત્રીમંડળના અન્ય મંત્રીશ્રી, પોલીસ અધિકારીઓ પૈકી રાજકીય અને બિન રાજકીય સંસ્થાઓએ તોફાનોના અસરગ્રસ્તોને રક્ષણ, રાહત અને સહાય પૂરી પાડવામાં તેમજ વખતો વખત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આપેલ ભલામણો અને સૂચનાઓ પરત્વે ભજવેલ ભાગ અને તેઓની વર્તણૂંકનો સમાવેશ થતો હતો.

અન્ય એક આક્ષેપ હતો કે તત્કાલિન આરોગ્ય મંત્રી શ્રી અશોક ભટ્ટે મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના પરામર્શમાં ગોધરા બનાવમાં માર્યા ગયેલા ૫૮ વ્યકિતઓનું રેલ્વે યાર્ડમાં કોઇ પણ અનુભવી ન હોય તેવા ડાયરેકટરના હાથે કાયદાની વિરુધ્ધ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. જો કે રેલ્વે યાર્ડમાં પોસ્ટ મોર્ટમ કરાવવાનો નિર્ણય અશોક ભટ્ટનો ન હતો, પરંતુ આ અંગેનો નિર્ણય સ્થાનિક અધિકારીનો હતો અને પોસ્ટ મોર્ટમ કવોલિફાઇડ ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હોવાનું તપાસપંચનુ સ્પષ્ટ તારણ છે. એટલે કે આ આક્ષેપો પણ તદ્દન પાયાવિહોણા છે.

શ્રી જાડેજાએ ઉમેર્યુ કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી દ્વારા ગોધરા બનાવના પુરાવા એવા બળી ગયેલ રેલ્વે કોચ નં. એસ-૬માં અનઅધિકૃત પ્રવેશ કર્યો હોવાનો આક્ષેપ હતો. જેમાં કમિશનનું તારણ એવુ છે કે મુખ્યમંત્રીશ્રીના પ્રવેશનો હેતુ જુદો હતો, નહી કે પુરાવાનો નાશ કરવાનો.

તેમણે ઉમેર્યુ કે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી વિરૂધ્ધ એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તા. ૨૭/૦૨/૨૦૦૨ના રોજ રાત્રીના સમયે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને, બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લદ્યુમતી કોમ ઉપર ઠાલવવા માટે પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઇપણ પ્રકારના સખત પગલાં ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો, આ પ્રકારનો આક્ષેપ શ્રી આર.બી. શ્રીકુમાર તેમજ સંજીવ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ કમિશન સમક્ષ શ્રી ભટ્ટ પોતાની હાજરી મુખ્યમંત્રીશ્રીના નિવસસ્થાને પુરવાર કરી શકયા નથી. શ્રી ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યકિતગત વાંધાઓના કારણે બેઠક અંગે મુખ્યમંત્રી તેમજ સરકાર સામે ખોટા આક્ષેપો કર્યા છે.

મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યુ કે તત્કાલિન કોંગ્રેસ પ્રમુખશ્રી સ્વ. અમરસિંહ ચૌધરીએ સોગંદનામું કરીને તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી મોદી સાથે કરેલી બેઠકનો ઉલ્લેખ કરીને આક્ષેપો કર્યા હતાં કે આશરે ૧૦,૦૦૦ વ્યકિતઓના ટોળા દ્વારા ગુલબર્ગ સોસાયટી પર થયેલ હુમલા દરમ્યાન જાફરીએ તેમના કુટુંબ અને પોતાની જિંદગી પર જોખમ અંગે પોલીસને ટેલિફોન કરીને જરૂરી મદદ અને રક્ષણ આપવા વિનંતી કરેલ હતી. તેમ છતા તત્કાલિન મુખ્યમંત્રીશ્રીએ આ બાબતને ગંભીરતાથી લઇને યોગ્ય કાર્યવાહી કરી ન હતી. પરંતુ કમિશને કરેલી તપાસમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી વિરૂધ્ધ કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહિન હોવાનું બહાર આવ્યું છે. કારણે કે, શ્રી ચૌધરી દ્વારા કમિશન સમક્ષ કોઇ પુરાવો કે નિવેદન આપવામાં આવ્યા નથી.

(3:30 pm IST)