Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સાંજે સત્ર સમાપનઃ કેગ અને ગોધરાકાંડનો અહેવાલ ગૃહમાં

૧૮ વર્ષ પહેલાની ટ્રેનનો ડબ્બો સળગાવવાની ચકચારી ઘટનાનો નાણાવટી પંચનો અહેવાલ (ભાગ-૨) જાહેર થવાની તૈયારીઃ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિનો મુદ્દો ગાજશેઃ કોંગ્રેસે મોંઘા શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો

ગાંધીનગર તા.૧૧: ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય સત્રનો આજે અંતિમ દિવસ છે. સાંજે સત્રનું સમાપન થશે. આજના દિવસમાં પ્રશ્નોતરી ઉપરાંત સહકારી મંડળી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ, ટેકનિકલ શિક્ષણ વગેરેને લગતા વિધેયકો રજુ થનાર છે. આજે કેગનો અહેવાલ તેમજ ૧૮ વર્ષ પહેલાના ચકચારી ગોધરાકાંડની તપાસનો અહેવાલ અહેવાલ ભાગ-૨ (સંભવત બપોર પછી) રજુ થનાર છે.

રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-૨ તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરશે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસની આ ઘટના છે. ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એકસ્પ્રેસને ગોધરા રેલ્વે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં કેટલાક ટોળાએ અટકાવી હતી. બાદમાં ટોળાએ હુમલો કરીને ટ્રેનના એસ-૬ કોચને આગ ચાંપી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા ૫૯ કાર સેવકોનાં મોત થયાં હતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે સાબરમતી એકસપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં જુદા જુદા કિસ્સામાં અનેક લોકોનાં મોત થયા હતા. આ અંગેનો અહેવાલ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા રજુ કરશે.

ઉપરાંત સભ્ય પ્રવિણભાઇ મુસડીયાનો પ્રસ્તાવ મૂકયો છે કે રાજયમાં વિવિધ ભરતીઓની પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવતાં પરીક્ષાઓ રદ કરવાની, પરીક્ષાઓ મોકૂફ રાખવાની, પરિણામો મોકૂફ રાખવા સહિતના બનાવો વધતા જાય છે. તેના કારણે મોંઘુ શિક્ષણ અને ટ્યુશન કલાસમાં ઉંચી ફી ભરીને મહિનાઓ સુધી તૈયારીઓ કરતાં રાજયના યુવાન-યુવતીઓમાં અસંતોષ પ્રવર્તે છે, ત્યારે રાજયમાં થતી સરકારી ભરતીઓમાં પારદર્શિતા લાવવા આ સભાગૃહ ચર્ચા-વિચારણ કરે આ પ્રસ્તાવ પર ચર્ચા થાય અને સરકાર કરેલી કામગીરીનો જવાબ આપે તેવા નિર્દેષ છે. ગૃહમાં આજે રાજકીય વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે.

(11:28 am IST)