Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ૧૪ વર્ષમાં ૩૨૨૩ બળાત્કારઃ એક પણ આરોપીને સજા નહીં

બળાત્કારના ૯૦ ટકા કરતા પણ વધુ આરોપી જમાનત પર ખુલ્લેઆમ ફરી રહ્યા છેઃ પીડિતાઓમાંથી મોટાભાગની ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છે

જમ્મુ, તા.૧૧:  હૈદરાબાદમાં પશુચિકિત્સક ડોકટર દિશાની સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટનાને કારણે દેશભરમાં રોષ ભડકી ઉઠ્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ૧૪ વર્ષમાં બળાત્કારની ૩૨૨૩ ઘટના બની હોવા અંગે કોઈએ દુઃખ વ્યકત નથી કર્યું.

આતંકવાદની આડમાં માત્ર આતંકવાદીઓએ જ નહીં, પરંતુ સુરક્ષાકર્મીઓએ પણ સેંકડો યુવતીઓને તેમની કામવાસનાનો શિકાર બનાવી છે જેના કોઈ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી અને એટલે સુધી કે મોટાભાગના કિસ્સામાં આરોપીઓ આઝાદ ફરી રહ્યા છે.

ઉપરોકત આંકડા વર્ષ ૨૦૦૬થી ડિસેમ્બર ૨૦૧૮ સુધીના છે. આની પહેલાનો કોઈ રેકોર્ડ પોલીસ પાસે ઉપલબ્ધ નથી. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે જમ્મુ-કાશ્મીરમાં આ સમયગાળા દરમિયાન થયેલા બળાત્કારના ૯૦ ટકા કરતા પણ વધુ આરોપી જમાનત પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વધુ અફસોસની વાત એ પણ છે કે બળાત્કારની પીડિતાઓમાંથી મોટાભાગની ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છે. આ આંકડા રાજયભરમાં નોંધાયેલી બળાત્કારની ઘટનાઓનાં છે. રાજયમાં જયારે આતંકવાદ ચરમસીમા પર હતો ત્યારે આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ દ્વારા કેટલી અબળાઓની લાજ લૂંટવામાં આવી, કેટલી માસૂમ છોકરીઓની પરિવારજનોની હાજરીમાં છેડતી કરવામાં આવી તેનાં આંકડા કોઈની પાસે નથી. કાશ્મીરમાં સેંકડો મહિલાઓ અને તેનાં પરિવારજનો બદનામી અને શરમને કારણે આવી દ્યટનાઓ અંગે કોઈને કશી જ જાણકારી નથી આપતા. અનેક સક્રિય આતંકવાદીઓએ કાશ્મીરી યુવતીઓ પર બળાત્કાર કર્યા બાદ તેનાં શરીરનાં ટુકડા કરી રસ્તા પર ફેંકી દીધા હતા. જોક, આ પ્રકારની ઘટનાઓ બાદ જ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ઘનો જનાક્રોશ વધ્યો હતો.

(11:21 am IST)