Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

રાફેલ ડિલ અને નોટબંધી મોટા કાંડ છે : રાહુલ ગાંધી

બંને મુદ્દા પર આગળ પણ વાત કરશે : રાહુલ : ૨૦૧૯માં પણ ભાજપને પરાજીત કરીશું : વિચારધારાની લડાઈ છે : અમે કોઇને ભારત મુક્ત કરીશું નહીં : રાહુલ

નવી દિલ્હી, તા. ૧૧ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મોડી સાંજે પાર્ટીના શાનદાર દેખાવ બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધી અને જીએસટીના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બની હતી. આગામી દિવસોમાં પણ વિપક્ષને એકસાથે રાખીને આગળ વધવામાં આવશે. રાહુલે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, રાફેલ ડિલ અને નોટબંધી એવા કૌભાંડ છે જેની સામે આગામી દિવસોમાં પણ અવાજ ઉઠાવશે. એક રીતે રાહુલે ભવિષ્ય માટે પણ કોંગ્રેસનો એજન્ડો રજૂ કરી દીધો હતો. રાહુલે કહ્યું હતું કે, યુવાનોનો પ્રશ્ન તમામને સતાવી રહ્યો છે. યુવાનોને સરકાર કેટલા પ્રમાણમાં રોજગારી આપી રહી છે. રોજગારીનું જે વચન આપ્યું હતું તે તુટી ગયું છે. રોજગારીનું વચન પૂર્ણ થઇ રહ્યું નથી. ખેડૂતોની અંદર પણ આવી જ ભાવના પ્રવર્તી રહી છે. ખેડૂતોને તેમનું ભાવિ દેખાઈ રહ્યું નથી. દેશના લોકોની અંદર એવી ભાવના જાગી ગઈ છે કે, મોદીએ જે વચન આપ્યા હતા તે પુરા કરવાની સ્થિતિમાં નથી. રાહુલ ગાંધીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ આ રાજ્યોમાં શાનદાર દેખાવ કર્યો છે પરંતુ ઇવીએમને લઇને હજુ પણ લોકોમાં ચિંતા છે. ઇવીએમને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. અમે ચૂંટણી જીતી ગયા છે પરંતુ ઇવીએમ સાથે જોડાયેલા મુદ્દા અકબંધ રહ્યા છે. ઇવીએમના રુપમાં અમારી પાસે દેશભરમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે. જેને સમગ્ર દેશની ચૂંટણીને એક સાથે અસર કરી શકાય છે. આવી સ્થિતિમાં બીજા દેશોએ ઇવીએમ ઉપર બેલેટ પેપરને મહત્વ આપ્યું છે. ઇવીએમનો પ્રશ્ન હજુ પણ ગંભીરરીતે રહેલો છે. રાહુલ ગાંધીએ સોમવારની બેઠકની વાત કરતા કહ્યું હતું કે, ભાજપ સરકારની સામે વિપક્ષ એકમત છે. કોંગ્રેસ પાર્ટી જે રાજ્યોમાં જીતી રહી છે ત્યાં મુખ્યમંત્રીને લઇને કોઇપણ વિખવાદ નથી. તેલંગાણા અને મિઝોરમમાં અમારી હાર થઇ છે. અહીં જેની જીત થઇ છે તેમને અમે અભિનંદન આપીએ છીએ. બાકીના રાજ્યોમાં જીતની ક્રેડિટ કોંગ્રેસના કાર્યકરો, ખેડૂતો અને નાના દુકાનદારોને જાય છે. મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસ પાર્ટીની જીત થઇ છે.

પત્રકાર પરિષદમાં રાહુલે નવા રાજકીય ટ્રેન્ડને રજૂ કરવાના પ્રયાસ કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ભાજપની એક વિચારધારા છે. અમે તેમની સામે રહીશું અને તેમને હરાવીશું. અમે આજે તેમને હરાવી ચુક્યા છે. ૨૦૧૯માં પણ પરાજીત કરીશું પરંતુ કોઇને પણ ભારત મુક્ત કરવા ઇચ્છતા નથી. ભાજપના કોંગ્રેસ મુક્ત ભારત નારાની વાત કરતા રાહુલે કહ્યું હતું કે, વિચારધારાની લડાઈ છે. ઇવીએમને લઇને હજુ પણ પ્રશ્ન હોવાની વાત કરી હતી.

(9:47 pm IST)