Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

શક્તિકાંત દાસ જુદા જુદા હોદ્દા ઉપર રહી ચુક્યા છે

નોટબંધી વેળા મુખ્ય ભૂમિકા ભજવી હતી : આર્થિક બાબતોના સેક્રેટરી અને રેવન્યુ સેક્રેટરી તરીકેની ભૂમિકા સફળ અદા કરી હતી : આઈએએસ ઓફિસર

નવીદિલ્હી, તા. ૧૧ : આરબીઆઈના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની નિમણૂંક કરવામાં આવ્યા બાદ શક્તિકાંત દાસને લઇને પણ નવી ચર્ચા છેડાઈ છે. શક્તિકાંત દાસ ૧૯૮૦ની બેંચના તમિળનાડુ કેડરના આઈએએસ ઓફિસર રહી ચુક્યા છે. તેઓ હાલમાં ફાઈનાન્સ કમિશનમાં સભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા. આઈએએસ ઓફિસરના ગાળા દરમિયાન દાસે ભારત અને તમિળનાડુમાં જુદા જુદા ક્ષેત્રોમાં સેવા આપી હતી. દાસ ભારતમાં આર્થિક બાબતોના સેક્રેટરી તરીકે તથા રેવન્યુ સેક્રેટરી તરીકે રહ્યા હતા. ઉપરાંત ફર્ટીલાઇઝર સેક્રેટરી તરીકે રહ્યા હતા. આજે તેમની આરબીઆઈના ૨૫માં ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

પ્રિન્સિપલ સેક્રેટરી (ઇન્ડસ્ટ્રી) તરીકે તેઓ કામ કરી ચુક્યા છે. મહિન્દ્રા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડમાં પણ તેમને ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. દાસની જૂન ૨૦૧૪માં કેબિનેટની વડાપ્રધાનના નેતૃત્વમાં નિમણૂંક કમિટિ દ્વારા કેન્દ્રીય મહેસુલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ૧૬મી જૂન ૨૦૧૪ના દિવસે તેઓએ સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળી હતી. ૩૧મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે તેઓએ આ હોદ્દો છોડ્યો હતો. શક્તિકાંત દાસે અનેક મહત્વપૂર્ણ કામો પોતાના ગાળા દરમિયન કર્યા હતા. જી-૨૦માં શક્તિકાંતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઇકાલે એકાએક ઉર્જિત પટેલે આરબીઆઈના ગવર્નર તરીકે રાજીનામુ આપી દેતા એક દિવસ બાદ તેમની આરબીઆઈના નવા ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. શિક્ષણની વાત કરવામાં આવે તો દાસ ઇતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (એમએ) અને ગ્રેજ્યુએ (બીએ) થયા હતા.

(7:39 pm IST)