Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

શું મોદીને ઓટનો હતો અંદાજ? ૫ રાજ્યોમાં સંબોધી હતી માત્ર ૨૮ રેલી

ગુજરાત ચૂંટણીમાં ૩૪ રેલી જ્યારે પાંચ રાજ્યોમાં મળી મોદીની ૨૮ રેલી

નવી દિલ્હી તા. ૧૦ : પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મહત્વપૂર્ણ ફાયદો થયો છે જયારે ભાજપ અને નરેન્દ્ર મોદી માટે માઠા સમાચાર મળ્યા છે. ભાજપ માટે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રૂપે ત્રણ 'ગઢ' બચાવી રાખવા ખૂબ જ મહત્વના હતા. આ ચૂંટણીઓને લોકસભા ચૂંટણી પહેલાની સેમિ-ફાઇનલ તરીકે જોવામાં આવતી હતો તેથી ભાજપને સારા પ્રદર્શનની આશા હતી. પરંતુ આ બધાની વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક અને મુખ્ય ચહેરો વડાપ્રધાન મોદીની ઓછી રેલીઓ કંઈક અલગ જ સંકેત આપી જાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તુલનામાં વાત કરીએ તો મોદીએ સંબોધેલી જાહેરસભાઓનો આંક ઘણો જ ઓછો છે. તો શું મોદીને ભાજપ કંઈક ખાસ મેળવી નહીં શકે તેવી અણસાર આવી ગયો હતો?

છત્તીસગઢમાં વડાપ્રધાને માત્ર ૪ રેલીઓમાં પ્રજાને રિઝવવાનો પ્રયાસ કર્યો, જયારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એકસમાન ૧૦-૧૦ રેલીઓને સંબોધી હતી. તેલંગાનામાં ૩ રેલીમાં પીએમ પાર્ટીનો પ્રચાર કરવા પહોંચ્યા હતા. મિઝોરમમાં તો માત્ર એક જ રેલીમાં મોદીએ મતદારોને સંબોધિત કર્યા હતા. આ બધાથી એકદમ વિપરિત નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીમાં ૩૪ રેલી કરી હતી. પોતાના હોમ સ્ટેટ જયાં મોદીને કોંગ્રેસથી મોટો પડકાર હતો એટલે તેમણે પોતાનું સઘળું બળ ગુજરાતમાં લગાવી દીધું હતું. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનું શાસન રહ્યું છે. મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ અને છત્તીસગઢમાં રમણ સિંહે ભાજપની સત્તા સંભાળી. ભાજપે આ ચહેરાઓને જ મુખ્યમંત્રીના ચહેરાઓ તરીકે ઉતાર્યા હતા. પરંતુ મોદીએ છત્તીસગઢમાં માત્ર ૩ અને મધ્ય પ્રદેશમાં ૧૦ રેલી જ સંબોધી. જયારે રાજસ્થાનમાં ભાજપની વસુંધરા રાજે સરકાર સામે પણ કોંગ્રેસ મોટો પડકાર હતો છતાંય મોદીએ ૧૦ રેલીઓમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો. શું મોદી લહેરમાં ઓટ આવી રહી છે તેવું જાણી જતાં તેમણે ઓછી રેલી પસંદ કરવાનું નક્કી કર્યું કે તેમને અગાઉથી અણસાર આવી ગયો હતો કે ભાજપના વળતાં પાણી થઈ રહ્યા છે અને તે ત્રણ હિન્દીભાષી રાજયોમાં સત્તા ગુમાવી રહી છે.

(3:21 pm IST)