Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ભાજપનું ધોવાણ : ૨૦૧૯માં ફરી સત્તારૂઢ થવા મોદી-શાહે બદલવી પડશે રણનીતિ

રાહુલ ગાંધીની સુધરતી છબી પણ મોદી - શાહ માટે પડકાર

નવી દિલ્હી તા. ૧૧ : અત્યાર સુધીના મળી રહેલા ૫ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ વાપસીના સંકેત છે. અત્યાર સુધીના મળેલા વલણોમાં છત્તીસગઢમાં ભાજપનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ણણ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. રાજસ્થાનમાં પણ કોંગ્રેસ આગળ છે પરંતુ ભાજપ પણ બરાબરની ટક્કર આપી રહી છે. આ ચૂંટણીના પરિણામો એટલા માટે અગત્યના છે કારણ કે ૨૦૧૯માં લોકસભા ચૂંટણી આવી રહી છે. આ પરિણામોથી નરેન્દ્ર મોદી અને અમિત શાહને સારા સંકેત નથી મળ્યા રહ્યા અને તેમને પોતાની રણનીતિ પર ફરીથી ગહન વિચાર કરવાની જરૂર ઊભી થઈ છે. વડાપ્રધાન મોદી એન ભાજપ અધ્યક્ષ અમિત શાહને લોકસભા ચૂંટણીમાં પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે કારણ કે ત્રણ રાજયોમાં ભાજપને ચૂંટણીમાં મોટી સફળતા મળી હતી. જો જનતાનો મૂડ ભાજપ પ્રત્યે સખત થયો છે તો મોદી-શાહે ફરી એકવાર વિચારવું પડશે. સવાલ એ પણ છે કે શું ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિરને લઈને બિલ લઈને આવશે.

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીના નસીબમાં પહેલીવાર આટલી મોટી સફળતા હાથ લાગી છે. કોંગ્રેસ આ ત્રણ રાજયોમાં સરકાર રચવામાં સફળ રહે છે તો બાકીના હિન્દી બેલ્ટમાં પણ તેની અસર જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશમાં ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું મોટું ધોવાણ થયું હતું પરંતુ જો રાહુલની છબિ સુધરે છે તો યૂપીની મોટી વોટબેંક કોંગ્રેસ તરફ આકર્ષાઈ શકે છે. જેના કારણે મોદી-શાહ સામે વધુ પડકાર ઊભા થઈ શકે છે.

લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપે એનડીએના સહયોગી દળોને કોઈ ખાસ મહત્વ નહોતું આપ્યું. મહારાષ્ટ્રમાં શિવસેનાથી લઈને સોમવારે એનડીએ છોડી ચૂકેલા ઉપેન્દ્ર કુશવાહાને ફરિયાદ હતી કે પૂર્ણ બહુમત મળ્યા બાદ ભાજપને લાગે છે કે તેને સહયોગી પાર્ટીઓની જરૂર નથી. ચંદ્રબાબુની તેલુગુ દેશમ પાર્ટી પણ મોદી સરકારથી છેડો ફાડી ચૂકી છે તેથી દક્ષિણ ભારતમાં પણ ભાજપના સહયોગીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ વિધાનસભા ચૂંટણીથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે લોકસભા ચૂંટણીમાં હવે ભાજપને સહયોગી દળોની વધુ જરૂર ઊભી થશે.

(3:20 pm IST)