Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

નવા ગવર્નરની રેસમાં સૌથી આગળ શશિકાંત દાસ

ઉર્જીત પટેલનું આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ

નવી દિલ્હી તા. ૧૧ : ઉર્જીત પટેલના રાજીનામા પછી ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઇ)ના નવા ગવર્નર માટે અટકળો શરૂ થઇ ગઇ છે. 'સીએનબીસી ટીવી-૧૮' અનુસાર, શશિકાંતદાસ આરબીઆઇના નવા ગવર્નરની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. શશિકાંત દાસ હાલમાં નાણા પંચના સભ્ય છે. તેઓ નાણા સચિવ પણ રહી ચૂકયા છે. એવું કહેવાય છે કે, બે વર્ષ પહેલા નોટબંધી દરમિયાન શશિકાંત દાસે બહુ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

સોમવારે ઉર્જીત પટેલે અંગત કારણોનો હવાલો આપીને આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધું હતું. પટેલે રઘુરામ રાજનની જગ્યાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમનો કાર્યકાળ ૩ વર્ષનો હતો. ૫૫ વર્ષના ઉર્જીતે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમીકસમાં બીએ કર્યું હતું.

કોણ છે શશિકાંત દાસ

૨૬ ફેબ્રુઆરી ૧૯૫૭માં જન્મેલ શશિકાંત દાસે ઇતિહાસમાં એમએ કર્યું હતું અને તામિલનાડુ કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ રીટાયરમેન્ટ પછી હાલમાં ભારતના ૧૫માં નાણાપંચ અને ભારતના શેરપા જી-૨૦ના સભ્ય છે. તેમણે ભારતના આર્થિક બાબતોના સચિવ, ભારતના રાજસ્વ સચિવ તરીકે કામ કર્યું છે.

કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન, શશિકાંત દાસને ભારતના સૌથી શકિતશાળી લોકોમાના એક ગણવામાં આવતા હતા. આર્થિક બાબતોના વિભાગ (ડીઇઓ)ના ભૂતપૂર્વ સચિવ શશિકાંત દાસને ગયા વર્ષે જી-૨૦માં ભારતના શેરપા નિયુકત કરાયા હતા. તે વડાપ્રધાન મોદી સાથે જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેવા બ્યુનસ એરિસા પણ ગયા હતા.

(11:59 am IST)