Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કમળ કરમાયુ...પંજો ખિલ્યો

રાજસ્થાન-છત્તીસગઢમાં ભાજપને સણસણતો તમાચોઃ ટ્રેન્ડમાં કોંગ્રેસની સરકારઃ પરિવર્તનનો પવનઃ મ. પ્રદેશમાં કાંટે કી ટક્કરઃ તેલંગણામાં TRSનો સપાટો

કોંગ્રેસમુકત ભારતનું ભાજપનું સપનુ ચકનાચુરઃ કોંગ્રેસ માટે અચ્છે દિનનો પ્રારંભ : મધ્યપ્રદેશમાં ટી ટવેન્ટી જેવો રોમાંચઃ થોડો સમય ભાજપ આગળ તો થોડો સમય કોંગ્રેસ આગળઃ સતાની ચાવી બસપા-અન્યો પાસે : મિઝોરમમાં એમએનએફનો જયજયકારઃ કોંગ્રેસને ફટકો : પાંચ રાજ્યોના ચૂંટણીના પ્રારંભિક ટ્રેન્ડએ કેન્દ્રની મોદી સરકાર માટે વગાડી ખતરાની ઘંટડીઃ જીએસટી-નોટબંધી-ખેડૂતોની નારાજગી-આરબીઆઈનો ડખ્ખો-ન્યાયપાલિકામાં વિવાદ-પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોએ ભાજપને અરીસો બતાડયોઃ પક્ષ માટે આત્મચિંતન કરવાની નોબત

નવી દિલ્હી, તા., ૧૧ : લોકસભાની ચૂંટણી પહેલા સેમી ફાઈનલ માનવામાં આવતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના  પરિણામોથી સ્પષ્ટ સંકેત મળે છે કે, ભાજપના વળતા પાણીની શરૂઆત થઈ છે તો કોંગ્રેસ માટે અચ્છે દિનની શરૂઆત થઈ છે. ભાજપે કોંગ્રેસમુકત ભાજપનું જોયેલ સપનુ ચકનાચુર થવા જઈ રહ્યુ છે. કોંગ્રેસે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે ભાજપને જબ્બરી ટક્કર આપી છે. તેલંગણામાં ટીઆરએસ એ સપાટો બોલાવી દીધો છે અને મિઝોરમમાં એમએનએફનો વિજય વાવટો ફરકયો છે.

પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડે કેન્દ્રની મોદી સરકાર માટે ખતરાની ઘંટડી વગાડી છે. મતદારોએ મોદી સરકારની નોટબંધી, જીએસટી, ખેડૂતોની નારાજગી, રીઝર્વ બેન્કનો ડખ્ખો, ન્યાયપાલિકાનો વિવાદ, પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોના મામલે નારાજગી વ્યકત કરી કોંગ્રેસની તરફેણ કરી હોવાનું જણાય છે. અત્યાર સુધી હવામા ઉડતા ભાજપે હવે આત્મચિંતન કરવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલા ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી ગઈ છે. મધ્યપ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ જણાય રહ્યા છે જ્યારે તેલંગણામાં ટીઆરએસ એ બહુમતી મેળવી લીધી છે. મિઝોરમમાં કોંગ્રેસને ફટકો પડયો છે અને ત્યાં એમએનએફે વિજય વાવટો ફરકાવ્યો છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની સરકાર હતી જ્યાં હવે પરિવર્તનનો પવન ફુંકાયો છે અને ત્યાં હવે પંજાનુ શાસન આવી ગયુ છે અને કમળ કરમાયુ છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા બદલે છે એ પરંપરા ચાલુ રહી છે. જ્યારે છત્તીસગઢમાં સત્તા વિરોધી લહેર ફુંકાઈ હોવાનુ જણાય છે.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં બપોરે ર.૧પ કલાકે કુલ ૨૩૦ બેઠકોમાંથી તમામ ૨૩૦ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં બહુમતી માટે ૧૧૬ બેઠકો જોઈએ. જ્યારે અહી ભાજપ ૧૦૯ અને કોંગ્રેસ ૧૧૧ તથા અપક્ષ ૧૦  બેઠક પર આગળ હોવાનુ જણાય છે. અહીં ત્રિશંકુ વિધાનસભાના એંધાણ મળી રહ્યા છે. શિવરાજસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. રાજયના સતાની ચાવી બસપા અને અન્યોના હાથમાં આવી છે. રાજયમાં થોડો સમય ભાજપ આગળ ચાલતુ હતુ તો થોડો સમય કોંગ્રેસ આગળ ચાલ્યું હતું. જોવાનું એ છે કે શિવરાજ સતાનો ચોગ્ગો મારે છે કે નહિ?

મધ્યપ્રદેશમાં ૨૮મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. એકઝીટ પોલે ૧૫ વર્ષથી સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કરની સંભાવના વ્યકત કરી હતી. જો કે બન્ને પક્ષે વિજયના દાવા કર્યા હતા. અહીં ૭૫.૫ ટકા મતદાન થયુ હતુ અને આજે કુલ ૨૮૯૯ ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થઈ રહ્યો છે. ભાજપે તમામ ૨૩૦ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા જ્યારે કોંગ્રેસે ૨૨૯ બેઠક પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.

રાજસ્થાન

રાજસ્થાનમાં પરિવર્તનનો પવન ફુંકાયો છે. અહીં ભાજપના ડબ્બા ડુલ થઈ ગયા છે અને વસુંધરા રાજે સરકાર ડુબી છે. બપોરે ર.૧પ  કલાકે કુલ ૧૯૯ બેઠકોમાંથી ૧૯૯ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં કોંગ્રેસ ૧૦૧, ભાજપ ૭૪ અને અન્ય ૨૪ બેઠક પર આગળ છે. બહુમતી માટે ૧૦૦ બેઠકો જોઈએ. વસુંધરા રાજે જો કે આગળ ચાલી રહ્યા છે. સચીન પાયલોટ અને ગેહલોત પણ આગળ ચાલી રહ્યા છે. રાજયમાં અપક્ષોએ ઘણું જોર કર્યુ છે અને સરકાર રચવા અપક્ષો અને અન્યોના સંપર્કમાં કોંગ્રેસ હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાન વિધાનસભા માટે આજે સવારે ૮ વાગ્યે ૨૦ હજાર કર્મચારીઓએ મત ગણતરી શરૂ કરી છે. કુલ ૩૫ કેન્દ્રો પર મત ગણતરી ચાલુ છે. ૭ ડીસેમ્બરે ૨૦૦માંથી ૧૯૯ બેઠકો માટે મતદાન થયુ હતું. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાનું સુકાન બદલાય છે. એ ફરી સાચુ પડયુ છે અને અહીં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે.

છત્તીસગઢ

છત્તીસગઢમાં કુલ ૯૦ બેઠકોમાથી તમામના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં કોંગ્રેસ ૬૫, ભાજપ ૧૯ અન્ય ૬ બેઠક પર આગળ છે. બહુમતી માટે ૪૬ બેઠકો જોઈએ. આમ અહી ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી ગઈ છે. રાજ્યમાં પરિવર્તનનો પવન ફુંકાયો છે અને રમણસિંહ સરકારનું જવાનું નક્કી થઈ ગયુ છે. સત્તા વિરોધી લહેરને કારણે ભાજપે અહીં સત્તા ગુમાવી છે.

છત્તીસગઢની ૯૦ બેઠકો માટે આજે સવારે મત ગણતરી શરૂ થઈ છે. ૫૧૮૪ કર્મચારી અને ૧૫૦૦ માઈક્રોઓબ્ઝર્વર મત ગણતરી કરી રહ્યા છે. છત્તીસગઢની ૯૦ બેઠકો માટે બે તબક્કે ૧૨ નવે. અને ૨૦ નવે. મતદાન થયુ હતુ. કુલ ૭૬.૬૦ ટકા મતદાન થયુ હતું.

તેલંગણા

તેલંગણાની ૧૧૯માંથી ૧૧૯ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં ટીઆરએસે સપાટો બોલાવી દીધો છે અને તે ૮૫ બેઠકો પર આગળ છે. અહીં કોંગ્રેસ ૨૧  અને અન્ય ૧૦  અને ભાજપ ૩ બેઠકો પર આગળ છે.  ટીઆરએસના સુપ્રિમો ચંદ્રશેખર રાવ ફરી મુખ્યમંત્રી બનશે તે નક્કી થઈ ગયુ છે. અહીં ટીઆરએસને બહુમતી મળી ગઈ છે.

તેલંગણામાં આજે ૧૧૯ બેઠકો માટે મત ગણતરી શરૂ થઈ છે. ૧૮૨૧ ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ રહ્યુ છે. ૭મી ડીસેમ્બરે મતદાન થયુ હતું.

મિઝોરમ

મિઝોરમની ૪૦માથી ૪૦ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે. જેમાં કોેંગ્રેસ ૭, એમએનએફ ૨૪  અને ભાજપ ૩ ઉપર આગળ છે.  અન્ય ૮  બેઠક પર આગળ છે. બહુમતી માટે ૨૧ બેઠકો જોઈએ એટલે અહી એમએનએફની સરકાર રચાશે તે નક્કી છે. મિઝોરમની ૪૦ બેઠકો માટે ૨૮ નવેમ્બરે મતદાન થયુ હતું.

 તમામ પાંચેય રાજ્યોમાં ચૂંટણી માટેના એગ્ઝિટ પોલના તારણ નજીકની સ્પર્ધા અને ત્રિશંકુ વિધાનસભાની વાત કરી રહ્યા હતા. જેથી બંને પાર્ટીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. બહુમતિ માટેના આંકડા સુધી ન પહોંચવાની સ્થિતીમાં બંને પાર્ટીની નીતિ શુ રહેશે તેની બેઠક થઇ રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જે રીતે નાટ્યાત્મક ઘટનાક્રમનો દોર ચાલ્યો હતો  તેવી જ સ્થિતી પાછી થઇ શકે છે. બંને પાર્ટી આ વખતે સાવધાની રાખીને આગળ વધી રહી છે.   મધ્યપ્રદેશમાં બહુમતિ સુધીના આંકડા સુધી કોઇ પાર્ટી નહીં પહોંચે તો અપક્ષ, બીએસપી અને ગોંડવાના ગોમાંતક પાર્ટીની ભૂમિકા ઉપયોગી સાબિત થઇ શકે છે.  ઓવેસીની પાર્ટી અને ભાજપ મોટી ભૂમિકા અદા કરી શકે છે. ભાજપે રાજ્યના હિતમાં વાત કરી હતી. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાતમી ડિસેમ્બરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.પોલ મુજબ  રાજસ્થાનમાં કોંગ્રેસની જીત સ્પષ્ટપણે દેખાઈ રહી છે જ્યારે તેલંગાણામાં ટીઆરએસની જીત દેખાઈ રહી છે. બીજી બાજુ મધ્યપ્રદેશ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. જો એક્ઝિટ પોલના તારણ કેટલા સાચા સાબિત થાય છે તે અંગે આવતીકાલે ૧૧મી ડિસેમ્બરના દિવસે ફેસલો થશે.પોલમાં કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાનમાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલી રહેલી પરંપરા અકબંધ રહી શકે છે. પાંચ વર્ષના ગાળા બાદ કોંગ્રેસ પાર્ટી એન્ટ્રી કરી રહી છે. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

એક્ઝિટ પોલના તારણો ચાવીરુપ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવી રહ્યા છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો આઠ એક્ઝિટ પોલના તારણ કોંગ્રેસને ૧૧૩ સીટ અને ભાજપને ૧૦૭ સીટ તેમજ અન્યોને ૧૦ સીટ આપી રહ્યા હતા. રાજસ્થાનમાં મતગણતરી ધીમી ગતિથી ચાલી રહી છે. 

(3:08 pm IST)