Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

ગણપતિના પૂજન અર્ચન સાથે અનેકગણુ ફળ આપતી અંગારકી સંકટ ચતુર્થી, વિનાયક ચતુર્થી આ મહિનામાં આવશે

ડિસેમ્બર મહિનાના બાકીના દિવસોમાં ગણેશભક્તો માટે બે ખૂબ જ મહત્વના યોગ આવી રહ્યા છે. જેમાં ગણપતિના પૂજન અર્ચનથી અનેકગણું ફળ તો મળશે જ સાથે સાથે તમારા વિઘ્નો પણ દૂર થશે. હિંદુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત-2075માં માગશર મહિનો ગણેશજીની ઉપાસના માટે ઉત્તમ દિવસો આવ્યા છે. તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારે જ વિનાયક ચતુર્થી છે અને તા.25મી ડિસેમ્બરના રોજ 21 ચોથ કર્યાનું ફળ આપતી અંગારકી સંકષ્ટ ચતુર્થી આવી રહી છે. સાથે જ અત્યારે લગ્નસરાનો માહોલ પણ જામ્યો છે. રવિવારે પણ મોટી સંખ્યામાં લગ્નનું આયોજન કરાયું હતું. જ્યારે તા.16મી ડિસેમ્બરથી ધનાર્ક કમુર્તાનો પ્રારંભ થઈ રહ્યો છે.

બે ચતુર્થી એક જ મહિનામાં આપશે અદભૂત ફળ

માગશર મહિનામાં ગણેશજીની ઉપાસનાનાં દિવસો આવ્યા છે. જે અંતર્ગત વિનાયક ચતુર્થી મંગળવારે આવી છે. એટલે કે આ મહિનાની બન્ને ચતુર્થીઓ ગણેશ ભક્તો માટે મહત્વની છે અને આ માગશરમાં વિનાયકી ચતુર્થી અને સંકષ્ટ ચતુર્થી – એમ બન્ને ચતુર્થી મંગળવારે આવી છે. જેને કારણે ગણેશ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ખાસ કરીને તા.11મી ડિસેમ્બરના રોજ મંગળવારે જ વિનાયકી ચતુર્થી છે. જ્યારે 21 ચોથ કર્યાનું ફળ આપતી અંગારકી સંકષ્ટ ચતુર્થી તા.25મી ડિસેમ્બરના રોજ ઉજવાશે.

આ જાપથી મળશે અદભૂત ફાયદો

આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષનું પઠન સર્વોત્તમ છે. જો એ શક્ય ન બને તો સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન પણ કરી શકાય છે. સાથોસાથ આ દિવસે ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108 વખત કરવો જોઈએ અને લાલ પુષ્પ અર્પણ કરવા જોઈએ.

14 ડિસેમ્બર સુધી કરી શકાશે માગંલીક કાર્યો

તા.14મી ડિસેમ્બર સુધી આ લગ્નાદિ માંગલિક કાર્યો કરી શકાશે. ત્યારબાદ વિક્રમ સંવત-2075માં માગશર સુદ નવમી કે જે વૃદ્ધિ તિથિ છે. તા.16મી ડિસેમ્બરના રોજ સૂર્ય ધન રાશિમાં સવારે 9.10 મિનિટે પ્રવેશ કરે છે. સૂર્યનું એક નામ અર્ક પણ છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ત્યારથી ધનાર્ક કમૂર્તાનો પ્રારંભ થશે. આ ધનાર્ક કમૂર્તા પોષ સુદ આઠમ, તા.14મી જાન્યુઆરી, 2019 સુધી રહે છે. એટલે કે આ સમયગાળા દરમિયાન લગ્ન, વાસ્તુ, પ્રતિષ્ઠા આદિ માંગલિક કાર્યો કરી શકાતા નથી. જોકે, સીમંત આદીમાં તેનો દોષ લાગતો નથી.

16 ડિસેમ્બરથી ધનાર્ક શરુ, પુણ્ય કાર્યનું મળશે બમણું ફળ

તા.16મી ડિસેમ્બરથી ધનુર્માસનો પણ પ્રારંભ થશે. સામાન્ય રીતે ધનાર્ક કમુર્તામાં માંગલિક કાર્યો થતાં નથી, પરંતુ ભક્તિમય કાર્યો બમણી સંખ્યામાં થાય છે. આ દિવસોમાં કથા, સત્સંગ અને સ્નાન-દાનનું મહત્વ સવિશેષ હોય છે.

(12:00 am IST)