Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

બ્રિટન સ્નો બોમ્બની ચપેટમાં: તાપમાન માઇનસ ૧૫ સુધી થશે?

ફલાઇટો પણ રદ્દ કરવામાં આવી છેઃ લોકોને બહાર નહીં નીકળવાની તાકીદ કરવામાં આવી છે

લંડન તા. ૧૧ : બ્રિટનમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમ વર્ષાને કારણે રવિવારે ઈમર્જન્સીની સ્થિતિ ઊભી થઈ છે. બ્રિટનમાં ૧૧ ઈંચ હિમ વર્ષા થઈ છે અને આજે પણ હિમ વર્ષા ચાલુ રહેશે એવા નિર્દેશો મળી રહ્યા છે. આ ઘટનાને લઈને આજે 'બ્લેક આઈસ મંડે' એવું નામ આપવામાં આવ્યું છે.

હિમ વર્ષાથી પ્રભાવિત ક્ષેત્રોમાં ટ્રેનોની અવરજવર બંધ રહેશે. ફલાઈટો પણ રદ કરવામાં આવી છે. લોકોને બહાર નહીં નીકળવાની તાકીદ કરવામાં આવી છે. હિમ વર્ષાને કારણે કેટલાંક શહેરોમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ અગિયાર ડિગ્રી પર પહોંચી ગયો છે. બ્રિટનમાં હિમ વર્ષાને કારણે સર્જાયેલી સ્થિતિને હવામાનના નિષ્ણાતોએ સ્નો બોમ્બ એવું નામ આપ્યું છે.

શનિવારની રાત ૨૦૧૭ની સૌથી બરફીલી રાત રહી હતી. આજે 'બ્લેક આઈસ મંડે' દરમિયાન તાપમાન માઈનસ પંદર ડિગ્રી સુધી ગગડવાની આશંકા છે. આથી સમગ્ર યુનાઈટેડ કિંગડમ (યુકે)માં લોકોને ચેતવણી આપવામાં આવી છે કે અત્યંત અનિવાર્ય અને જરૂરી હોય તો જ દ્યરની બહાર નીકળવું. સાથે સાથે બંને ત્યાં સુધી હાઈવેનો ઉપયોગ ટાળવો એવી પણ ચેતવણી લોકોને આપવામાં આવી છે.

'બ્લેક આઈસ મંડે' છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વ્યસ્ત દિવસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે ૧૧૦૦૦થી વધુ ફોન કોલ્સ આવવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોએ હિમ વર્ષાના કારણે સર્જાયેલી પરિસ્થિતિને સ્નો બોમ્બ જેવી સ્થિતિ હોવાનું જણાવાયું છે.

રવિવારે ત્રણ કલાકમાં ચાર ઈંચથી વધુ હિમ વર્ષા થઈ હતી અને આખા દિવસની હિમ વર્ષા અગિયાર ઈંચથી વધુ હતી. તેના પગલે માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. એટલું જ નહીં યુકેના ચાર મુખ્ય એરપોર્ટ- હિથ્રો, સ્ટેનસ્ટેડ, લ્યૂટોન અને બર્મિંઘમ એરપોર્ટની ઘણી ફલાઈટ્સ રદ કરવામાં આવી છે.

(3:48 pm IST)